મુંબઈ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં સારી સફળતા મેળવી હોય તેવા અનેક દેશોની પ્રશંસા કરી છે. આ દેશોમાં ઈટાલી, સ્પેન અને દક્ષિણ કોરિયાના નામનો સમાવેશ થાય છે. WHOએ મુંબઈની ધારાવીનો ઉલ્લેખ કરીને કોરોના વાયરસ સામેની લડાઈમાં જે કાર્યવાહી કરી છે તેની પ્રશંસા કરી હતી.

WHOના પ્રમુખ ટેડ્રોસે કહ્યું કે, 'કોરોના વાયરસ મામલે કેટલાક દેશોના ઉદાહરણ આપી શકાય તેમ છે. તેમાં ઈટાલી, સ્પેન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. તેમાં મેગાસિટી મુંબઈના ગીચ વસ્તીવાળા ધારાવીનો પણ સમાવેશ થાય છે.



અહીં મોટા પાયે લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવાયું. કોરોના વાયરસની મૂળભૂત વાત ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઈસોલેશન સાથે સંકળાયેલી છે જેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ રોકવા અને તેનો અંત લાવવા તમામ બીમાર વ્યક્તિની સારવાર કરવામાં આવી.



WHOના પ્રમુખ ટેડ્રોસના કહેવા પ્રમાણે આવી મહામારીની કમર તોડવા માટે સમગ્ર દુનિયાએ સાથે મળીને આક્રમક વલણ અપનાવવું પડશે. વિશ્વમાં આજે અનેક ઉદાહરણો છે જેનાથી ખબર પડે છે કે સંક્રમણનો દર ભલે વધુ હોય પરંતુ તેને કાબુમાં લઈ શકાય છે.