WHO on Uzbekistan Cough Syrup Death:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપ પીવાથી કથિત રીતે 19 બાળકોના મોતના સંબંધમાં તેના ઉપયોગ અંગે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ઉઝબેકિસ્તાનના ઘણા વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે અને આ સમગ્ર મામલે WHO પાસેથી માહિતી લેવામાં આવી રહી છે. WHOએ કહ્યું છે કે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપનો ઉપયોગ ન કરવો જોઈએ.


ઉઝબેકિસ્તાનની સરકારે બાળકોના મૃત્યુ માટે નોઈડા સ્થિત મેરિયન બાયોટેકના કફ સિરપ 'ડોક-1 મેક્સ'ને જવાબદાર ઠેરવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી મેરિયન બાયોટેકે આ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તા અંગે WHOને ગેરંટી આપી નથી.


કફ સિરપ વિશે WHO ચેતવણી


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બુધવારે (11 જાન્યુઆરી) ભલામણ કરી હતી કે ઉઝબેકિસ્તાનમાં બાળકો માટે બે ભારતીય કફ સિરપ - એમ્બ્રોનોલ સીરપ અને ડોક-1 મેક્સ સીરપનો ઉપયોગ ન કરવો જોઈએ. WHOએ કહ્યું કે મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત કફ સિરપ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતા નથી. પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે બંને ઉત્પાદનોમાં અસ્વીકાર્ય માત્રામાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ દૂષકો તરીકે છે.


ઉઝબેકિસ્તાનનો દાવો


ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્લેષણ કરતા દાવો કર્યો હતો કે ભારતીય કફ સિરપમાં એક ઝેરી પદાર્થ એથિલિન ગ્લાયકોલ હોય છે. એવું કહેવાય છે કે બાળકોને ધોરણ કરતાં વધુ માત્રામાં ડોઝ આપવામાં આવે તે અત્યંત જોખમી છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે તેમના દેશના બાળકોએ નોઈડા સ્થિત મેરિયન બાયોટેકની કફ સિરપ 'ડોક-1 મેક્સ'નું સેવન કર્યું હતું. જે બાદ તે બાળકો મૃત્યુ પામ્યા હતા.  


શું સિરપ ભારતમાં વેચાય છે?


ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મૃત્યુને સિરપ સાથે જોડતા નોઇડા સ્થિત દવા ઉત્પાદકના દાવા અંગે ભારત સરકાર તપાસ કરી રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખાસ સીરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહ્યું નથી.