કોણ બનશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ? આ નામો છે સૌથી આગળ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Mar 2020 10:19 AM (IST)
ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના નામ પર મહોર મારી શકે છે.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં છેલ્લા થોડા દિવસોથી ચાલતા રાજકીય નાટકનો શુક્રવારે અંત આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે રાજીનામું આપી દીધું હતું. કમલનાથના રાજીનામા બાદ મધ્યપ્રદેશમાં ફરીથી એકવાર ભાજપની સરકાર બની શકે છે. ભાજપે પોતાની ગેમ દ્વારા 15 મહિનામાં જ મધ્યપ્રદેશ સરકારને પાડી દીધી હતી. મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણનું નામ સૌથી આગળ છે. તેઓ 2003થી 2018 દરમિયાન ત્રણ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ હાઇ કમાન્ડ ચૌહાણ સિવાય અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવીને ચોંકાવી શકે છે. મુખ્યમંત્રી પદના અન્ય સંભવિત ઉમેદવારોમાં થાવર ચંદ ગેહલોત, નરેન્દ્ર સિંહ તોમર, નરોત્તમ મિશ્રા પણ સામેલ છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના નામ પર મહોર મારી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જાટિયાએ જણાવ્યું કે, પાર્ટી પાસે અનુભવી નેતૃત્વ છે. પરંપરાના આધાર પર નેતૃત્વની પસંદગી થશે. વિધાયક દળ નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે. આ પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શનમાં થશે. કર્ણાટકમાં પણ આવું જ થયું હતું. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર ગયા બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વા સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રી પસંદ કરીને રાજ્યમાં એક સ્થિર સરકાર પસંદ કરવાની હશે. ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા તમામ બળવાખોરોને પણ સંતુષ્ટ કરવા પડશે.