Delhi Assembly Election Results 2025: આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થયો. ભાજપે 48 બેઠકો જીતી છે જ્યારે આમ આદમી પાર્ટી (AAP) 22 બેઠકો પર આવી ગઈ છે. દિલ્હી ચૂંટણીમાં AAPની હાર માટે અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે. જો કે, જો આપણે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા વોટ શેરના આંકડાઓ પર નજર કરીએ તો, AAPને સત્તા પરથી હટાવવામાં 'ઓલ આઉટ' કોંગ્રેસનો હાથ સ્પષ્ટ દેખાય છે. એમ કહી શકાય કે આ વખતે આમ આદમી પાર્ટીની હારમાં કોંગ્રેસની મોટી ભૂમિકા રહી છે.
મળતી માહિતી મુજબ આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વોટ ટકાવારી 45.56 ટકા રહી છે. ભાજપને 43,23,110 વોટ મળ્યા છે. બીજા સ્થાને રહેલી આમ આદમી પાર્ટીને કુલ 4,133,898 વોટ મળ્યા. AAPનો વોટ શેર 43.57 ટકા છે. આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ સતત ત્રીજી વખત ખાતું પણ ખોલાવી શકી નથી. કોંગ્રેસની 67 બેઠકો પરની જામીનગીરી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ છતાં કોંગ્રેસને 6,01,922 વોટ મળ્યા અને વોટ શેર 6.34 ટકા રહ્યો.
AAPની વોટબેંક કોંગ્રેસ તરફ વળી!
જો આપણે વોટ શેરના આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસનો વધેલો વોટ શેર કોઈને કોઈ રીતે AAPની વોટ બેંક છે, જે આ વખતે કોંગ્રેસ તરફ વળ્યો છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 53.57 ટકા વોટ શેર સાથે 62 સીટો જીતી હતી. તેનો સ્પષ્ટ અર્થ છે કે આ વખતે AAPના વોટ શેરમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે કોંગ્રેસનો વોટ શેર 2 ટકાથી વધુ વધ્યો છે. આ વખતે પાર્ટીનો વોટ શેર 6.34 ટકા છે, જે 2020માં 4.26 ટકા હતો.
ભાજપ અને આમ આદમી પાર્ટીની જીત વચ્ચેનો તફાવત માત્ર 1.99 ટકા વોટ શેરનો છે. તે જ સમયે, કોંગ્રેસના મતોમાં બે ટકાનો વધારો સ્પષ્ટપણે દર્શાવે છે કે અસદુદ્દીન ઓવૈસીની AIMIMની પતંગ અને માયાવતીની BSPના હાથી કરતાં 'હાથ'એ આમ આદમી પાર્ટીને મોટો ફટકો આપ્યો છે.
AIMIM ને માયાવતીની પાર્ટી કરતા વધુ વોટ મળ્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં માયાવતીની બસપાને 55,066 વોટ મળ્યા છે અને પાર્ટીનો વોટ શેર 0.58 ટકા છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 73,032 વોટ મળ્યા છે. ઓવૈસીની પાર્ટીનો વોટ શેર 0.77 ટકા છે. આ વખતે એકલા NOTAને અનેક પક્ષો કરતાં વધુ મત મળ્યા છે. NOTAને 53,738 વોટ મળ્યા છે અને વોટ શેર 0.57 ટકા છે. NOTAનો વોટ શેર CPI, CPIM અને NCP કરતાં અનેક ગણો વધારે છે.
આ પણ વાંચો....
કેજરીવાલની આ 5 ભૂલોએ ડુબાડી AAPની હોડી અને ભાજપની પ્રચંડ જીત થઈ