Raghav Chadha Joins BJP: ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા બાદ આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ નેતા રાઘવ ચઢ્ઢાએ પહેલીવાર ખુલીને વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાની જૂની પાર્ટી છોડવા પાછળનું ચોક્કસ કારણ જણાવ્યું છે. રાઘવ ચઢ્ઢા સહિત AAP ના કુલ 7 રાજ્યસભા સાંસદો તાજેતરમાં ભાજપમાં જોડાયા છે, જેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટીની અંદર હવે વાતાવરણ ડહોળાઈ ગયું છે અને પાર્ટી ભ્રષ્ટ લોકોના હાથમાં જતી રહી છે. તેમણે પોતાના અને અન્ય સાંસદોના નિર્ણયને યોગ્ય ઠેરવતા કટાક્ષ કર્યો હતો કે, પાર્ટીમાં એક કે બે લોકો ખોટા હોઈ શકે છે, પરંતુ બધા 7 સાંસદ એકસાથે ખોટા ન હોઈ શકે.

Continues below advertisement

છેલ્લા થોડા સમયથી લોકોના મનમાં એક જ સવાલ હતો કે રાઘવ ચઢ્ઢાએ અચાનક આમ આદમી પાર્ટી કેમ છોડી દીધી? આ સવાલનો જવાબ આપતા તેમણે વીડિયોમાં કહ્યું કે, છેલ્લા 3 દિવસમાં તેમને ઘણા લોકોના મેસેજ આવ્યા છે. કેટલાક લોકોએ તેમને નવા પક્ષમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, તો કેટલાક લોકો આ મોટા નિર્ણય પાછળનું કારણ જાણવા માંગતા હતા. આથી તેમણે જાતે જ સામે આવીને લોકો સમક્ષ ખુલાસો કરવાનું નક્કી કર્યું.

Continues below advertisement

પોતાની સફર યાદ કરતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, "મેં એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની મારી શાનદાર કારકિર્દી છોડીને માત્ર દેશસેવા માટે રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. હું આમ આદમી પાર્ટીનો સ્થાપક સભ્ય રહ્યો છું અને મેં મારી યુવાનીનાં 15 વર્ષ આ પાર્ટીને ઉભી કરવામાં આપી દીધા છે." તેમણે ભાવુક થતાં કહ્યું કે મેં પાર્ટી માટે મારું લોહી અને પરસેવો વહાવ્યો છે, માત્ર કરિયર બનાવવા માટે રાજકારણમાં પગ નહોતો મૂક્યો.

તેમણે આરોપ લગાવ્યો કે, હવે AAP પહેલા જેવી પાર્ટી રહી નથી. પાર્ટીની અંદરનું વાતાવરણ એટલું બગડી ચૂક્યું છે કે સારા નેતાઓને સંસદમાં બોલતા કે કામ કરતા રોકવામાં આવી રહ્યા છે. તેમણે સીધો પ્રહાર કરતા કહ્યું કે આ રાજકીય પક્ષ હવે ગણ્યાગાંઠ્યા ભ્રષ્ટ અને સ્વાર્થી લોકોના હાથમાં ફસાઈ ગયો છે, જેઓ દેશના હિત માટે નહીં પરંતુ પોતાના અંગત ફાયદા માટે જ કામ કરે છે. જોકે, તેમના આ ગંભીર આરોપો પર હજુ સુધી AAP તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

પોતાની મનોસ્થિતિ વર્ણવતા રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મને એવું લાગી રહ્યું હતું કે હું 'ખોટી પાર્ટીમાં સાચો માણસ' બનીને રહી ગયો છું. મારી પાસે માત્ર 3 જ વિકલ્પો બચ્યા હતા: કાં તો હું રાજકારણ છોડી દઉં, કાં તો પાર્ટીમાં જ રહીને બધુ સહન કરી પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરું, અથવા તો મારી ઉર્જા અને અનુભવનો બીજા કોઈ પ્લેટફોર્મ પર ઉપયોગ કરી 'સકારાત્મક રાજકારણ' આગળ વધારું.

તેમણે ઉમેર્યું કે, "આ જ કારણથી મેં એકલા નહીં, પરંતુ મારી સાથે અન્ય 6 સાંસદોએ મળીને AAP સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો." જો કામ કરતા લોકોને રોકવામાં આવે, તેમનો અવાજ દબાવવામાં આવે તો આવું વાતાવરણ છોડી દેવું જ યોગ્ય છે. અંતમાં તેમણે આશા વ્યક્ત કરી કે નવા રાજકીય મંચ (ભાજપ) પર તેઓ સામાન્ય નાગરિકોના પ્રશ્નો વધુ સારી ઉર્જા સાથે ઉઠાવી શકશે અને તેના પરિણામલક્ષી ઉકેલો લાવી શકશે.

નોંધનીય છે કે, ગત 24 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે હરભજન સિંહ, રાજિન્દર ગુપ્તા, સ્વાતિ માલીવાલ અને વિક્રમજીત સાહની સહિત કુલ 7 સાંસદોએ AAP છોડીને ભાજપનો ખેસ ધારણ કરવાની જાહેરાત કરી હતી. બંધારણીય જોગવાઈઓ મુજબ, જો પાર્ટીના 2/3 (બે-તૃતીયાંશ) સાંસદો પક્ષ બદલે તો પક્ષપલટાનો કાયદો લાગુ પડતો નથી. આ 7 સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને તેમને ભાજપના સભ્ય ગણવાની વિનંતી કરી છે, જે સ્વીકારી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.