નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખશે એવો દાવો વોટ્સએપ પર ફરી રહેલા એક મેસેજમાં કરાઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે, 1 ઓક્ટોબરથી તમામ કોલેજોમાં પણ ક્લાસ શરૂ થઈ જશે.


આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. જો કે મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણ મંત્રી પોખરીયાલે એવું કોઈ નિવેદન કર્યું નથી. મોદી સરકારે અનલોક 4ની જે ગાઈડલાઈન બહાર પાડી છે તે પ્રમાણે ધોરણ 9થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે સ્કૂલે જઈ શકે છે પણ 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલ-કોલેજો ખોલી નાંખવાની વાત સાવ ખોટી છે.

આ વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12 માટે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. તેના પંદર દિવસ પછી ધોરણ 6થી ધોરણ 8 સુધીના ક્લાસ શરૂ કરાશે. એ પછી પંદર દિવસ પછી ધોરણ 1થી ધોરણ 5 સુધીના વર્ગો શરૂ કરાશે. આ દાવાને મોદી સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ ખોટો ગણાવ્યો છે.

આ પહેલાં પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. કેટલાંક અખબારોમાં પણ આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પણ કેન્દ્રની મોદી સરકારે આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા હતા

મોદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું હતું. આ વખતે પણ સરકારે સ્કૂલ-કોલેજો ખોલવાની વાતોને નકારી કાઢી છે.