Age of Consent In India: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે સંમતિની ઉંમર કેટલી હોવી જોઈએ તે અંગે હંમેશા પ્રશ્નો ઉભા થયા છે. આ અંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (WCD) એ સંસદમાં જણાવ્યું હતું કે સરકાર સહમતિથી સંબંધો માટે ઉંમર 18 થી ઘટાડીને 16 કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર સંમતિની ઉંમર હાલના 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે. આ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક લેખિત નિવેદનમાં કહ્યું કે આ પ્રશ્ન જ ઊભો થતો નથી.


સરકારની આ ટિપ્પણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ધનંજય વાય ચંદ્રચુડ દ્વારા POCSO એક્ટ અંગે આપેલા નિવેદનના થોડા દિવસો બાદ જ આવી છે. ચંદ્રચુડે કહ્યું હતું કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO Act) હેઠળ સંમતિની ઉંમર 18 વર્ષ છે અને આ આવા કેસોનો સામનો કરતા જજો માટે મુશ્કેલ પ્રશ્નો ઉભા કરે છે. તેમનું માનવું છે કે આ મુદ્દે વધતી જતી ચિંતાને ધ્યાનમાં રાખીને વિધાનસભા એટલે કે સંસદે વિચારવાની જરૂર છે.


2012 માં સંમતિની ઉંમર 16 થી 18 વર્ષ


સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, POCSO એક્ટ, 2012, જે બાળકોને યૌન શોષણ અને જાતીય ગુનાઓથી બચાવવા માટે રચાયેલ છે, તે સ્પષ્ટપણે બાળકને 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે. અપરાધીઓને અટકાવવા અને બાળકો વિરુદ્ધના આવા ગુનાઓને રોકવા માટે 2019 માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો વિરુદ્ધ જાતીય અપરાધો કરવા માટે મૃત્યુદંડનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.


'પોક્સો એક્ટનો હેતુ બાળકોને જાતીય શોષણથી બચાવવાનો છે'


તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્પેશિયલ કોર્ટ સમક્ષ કોઈ પણ કાર્યવાહીમાં જો કોઈ પ્રશ્ન ઊભો થાય કે વ્યક્તિ બાળક છે કે નહીં, તો તે વ્યક્તિની ઉંમર વિશે પોતાને સંતોષ્યા પછી આવો પ્રશ્ન નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે બહુમતી અધિનિયમ 1875, જે 1999માં સંશોધિત કરવામાં આવ્યો હતો, તેમાં બહુમતી હાંસલ કરવા માટે 18 વર્ષની ઉંમરની જોગવાઈ છે. ગયા મહિને, દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે POCSO એક્ટનો ઉદ્દેશ્ય બાળકોને જાતીય શોષણથી બચાવવાનો હતો અને "યુવાન પુખ્ત વયના લોકો વચ્ચેના સહમતિપૂર્ણ સંબંધોને ગુનાહિત બનાવવાનો ઈરાદો ક્યારેય નહોતો".


થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી લોકુરે પણ કહ્યું હતું કે 17 વર્ષના છોકરા-છોકરીઓ રિલેશનશીપમાં સામેલ છે તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે અને તેના પરિણામોથી પણ વાકેફ છે. એટલા માટે તેમની સામે કાર્યવાહી કરવી યોગ્ય નથી. આ સિવાય મદ્રાસ, કર્ણાટક અને દિલ્હી હાઈકોર્ટે પણ સંમતિની ઉંમર ઘટાડવાની તરફેણમાં રજૂઆત કરી છે.