Winter session Parliament debate: 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં યોજાયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા એક અલગ જ અંદાજમાં નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીની વકતૃત્વ કળાના વખાણ તો કર્યા, પરંતુ સાથે જ કટાક્ષ કરતા કહ્યું કે તેમના ભાષણોમાં તથ્યોની કમી હોય છે. પ્રિયંકા ગાંધીએ આ ચર્ચાના સમય અને હેતુ પર સવાલ ઉઠાવતા તેને આગામી બંગાળ ચૂંટણી અને લોકોનું ધ્યાન ભટકાવવાની રણનીતિ ગણાવી હતી.
ભાષણ શૈલીના વખાણ સાથે સાધ્યું નિશાન
લોકસભામાં ચર્ચા દરમિયાન વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત વડાપ્રધાનની પ્રશંસા અને આલોચનાના મિશ્રણ સાથે કરી હતી. તેમણે કહ્યું, "આમાં કોઈ શંકા નથી કે તમે (પીએમ મોદી) ઉત્તમ ભાષણો આપો છો. તમારી બોલવાની છટા અદભૂત છે, પરંતુ એકમાત્ર નબળાઈ એ છે કે તમે તથ્યોમાં પાછા પડો છો." પ્રિયંકાએ વધુમાં ઉમેર્યું કે, "તથ્યોને રજૂ કરવાની પણ એક કળા હોય છે. હું પણ પ્રયત્ન કરી રહી છું, જોકે હું તમારા જેવી કલાકાર નથી. હું જનતા સમક્ષ માત્ર સાચા તથ્યો જ મૂકવા માંગુ છું."
રાષ્ટ્રગીત અને આઝાદીનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીએ 'વંદે માતરમ' ના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ ગીત એ ભાવનાનું પ્રતીક છે જેણે ગુલામીની નિદ્રામાં પોઢેલા ભારતીયોને જગાડવાનું કામ કર્યું હતું. વંદે માતરમનો ઉલ્લેખ થતાં જ સ્વાતંત્ર્ય સંગ્રામનો આખો ઈતિહાસ નજર સામે તરી આવે છે. તે આધુનિક રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ છે અને દેશના આત્માનો એક ભાગ બની ગયું છે. જોકે, તેમણે આજના સમયમાં આ વિષય પર થઈ રહેલી ચર્ચાને વિચિત્ર ગણાવી હતી.
ચૂંટણી સુધારા બાજુ પર અને વંદે માતરમ પર ચર્ચા કેમ?
સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "આપણો દેશ છેલ્લા 75 વર્ષથી આઝાદ છે, તો પછી અત્યારે અચાનક આ ગીત પર સંસદમાં ચર્ચા કરવાની શું જરૂર પડી? શું તમે ચૂંટણી સુધારા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાનું વિચારી રહ્યા હતા?" તેમણે સીધો આક્ષેપ કર્યો કે આ ચર્ચા પાછળના બે મુખ્ય કારણો છે: પહેલું, આગામી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી અને બીજું, દેશના સળગતા પ્રશ્નો પરથી જનતાનું ધ્યાન બીજે દોરવું.
'પીએમ મોદીનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે'
પ્રિયંકા ગાંધીએ શાસક પક્ષની સ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું કે, "આજે મોદીજી પહેલા જેવા પીએમ નથી રહ્યા; તેમનો આત્મવિશ્વાસ હવે ડગમગવા લાગ્યો છે." તેમણે દાવો કર્યો કે સત્તાધારી પક્ષના સાથી પક્ષો પણ મૌન છે કારણ કે તેઓ અંદરખાને આ વાત સાથે સહમત છે. સત્તાનું કેન્દ્રીકરણ દેશને નુકસાન પહોંચાડી રહ્યું છે અને આ વાત હવે તેમના પોતાના લોકો પણ દબાયેલા અવાજે સ્વીકારી રહ્યા છે. જ્યારે વર્તમાન સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી મળતો, ત્યારે સરકાર ઈતિહાસના વિવાદાસ્પદ મુદ્દાઓ ઉખેળીને ધ્યાન ભટકાવવાનું કામ કરે છે.
ચૂંટણી હાર-જીતથી અમારો સંઘર્ષ અટકશે નહીં
પોતાના ભાષણના અંતમાં પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે ભલે ગમે તેટલી ચૂંટણીઓ હારી જઈએ, પરંતુ અમે આ દેશ માટે અહીં જ લડતા રહીશું." તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને યાદ કરતા શાસક પક્ષને ટકોર કરી હતી કે, "શું તમે એટલા અહંકારી થઈ ગયા છો કે તમારી જાતને ગાંધીજી અને બોઝ કરતા પણ મોટા માનવા લાગ્યા છો?" તેમણે રાષ્ટ્રગીત અંગેના નેહરુજી પરના આક્ષેપોનો પણ કડક જવાબ આપ્યો હતો.