લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાના બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને ઇતિહાસ યાદ કરાવ્યો. અમિત શાહે કહ્યું, અમને 1971ના યુદ્ધમાં ભારતની જીત પર ગર્વ છે, આપણે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું. 93 હજાર પાકિસ્તાની સૈનિકો યુદ્ધ કેદી હતા, 15 હજાર ચોરસ કિલોમીટર આપણી પાસે હતું, પરંતુ આપણે POK લેવાનું ભૂલી ગયા. 1962ના યુદ્ધ પર પણ અમિત શાહે કોંગ્રેસને ઘેરી હતી. ગૃહમંત્રીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે આપણે 1971નું યુદ્ધ જીત્યું, પરંતુ POK માંગવાનું ભૂલી ગયા.
ગૃહમંત્રીએ કહ્યું, "આ ત્રણ આતંકવાદીઓ એવા લોકોમાં હતા જેમણે પહેલગામની બૈસરન ખીણમાં આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી અને ગઈકાલે ત્રણેય માર્યા ગયા હતા. હું ગૃહ અને સમગ્ર દેશ વતી સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના તમામ સૈનિકોને અભિનંદન આપું છું." ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, 22 એપ્રિલે બપોરે 1 વાગ્યે પહેલગામની બૈસરન ખીણમાં હુમલો થયો હતો અને તેઓ સાંજે 5.30 વાગ્યે શ્રીનગર પહોંચ્યા હતા અને 23 એપ્રિલે સુરક્ષા બેઠક યોજાઈ હતી અને ક્રૂર હત્યારાઓ દેશ છોડીને ભાગી ન શકે તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે સંપૂર્ણ તપાસ બાદ, પુષ્ટિ થઈ છે કે આ ત્રણ આતંકવાદીઓએ 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું, "આજે મને ગૃહને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના આકાઓનો સફાયો કરવાનું કામ કર્યું. સેના અને CRPF એ પણ તે આતંકવાદીઓને ખતમ કરી દીધા હતા." તેમણે કટાક્ષમાં કહ્યું, "મને અપેક્ષા હતી કે તેઓ (વિપક્ષ) ખુશ થશે જ્યારે પહલગામ હુમલાના આતંકવાદીઓના મોતના સમાચાર સાંભળવા મળશે, પરંતુ એવું લાગે છે કે તેઓ (વિપક્ષ) તેનાથી ખુશ નથી. આ કેવા પ્રકારની રાજનીતિ છે?"
અમિત શાહે ભારપૂર્વક કહ્યું, "આ આપણા દેશની સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસ, ત્રણેય મળીને એક મોટી સફળતા છે. આપણને આનો ગર્વ હોવો જોઈએ." કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમના નિવેદનને ટાંકીને તેમણે આરોપ લગાવ્યો કે ચિદમ્બરમે પાકિસ્તાનને ક્લીનચીટ આપી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી પૂછી રહ્યા છે કે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાની હતા તેના પુરાવા શું છે ? તેઓ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ? તેઓ કોના માટે બોલી રહ્યા છે ? અમે કહેવા માંગીએ છીએ કે ત્રણેય આતંકવાદી પાકિસ્તાની હતા. અમારી પાસે તેના નક્કર પુરાવા છે. આ લોકો પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે.