Wrestlers Protest News: ઇન્ડિયન રેસલિંગ ફેડરેશનના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની હિલચાલને લઇને અફવાઓનું બજાર ગરમ છે. વિરોધમાં સામેલ રેસલર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા વિશે એવા સમાચાર હતા કે આ લોકો તેમની રેલવેની નોકરીમાં જોડાઈ ગયા છે. ત્યાર બાદ કહેવામાં આવ્યું કે, આંદોલન ખતમ થવાના આરે છે.


આ મામલે સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નિવેદનો પણ સામે આવ્યા છે. બંને કુસ્તીબાજોએ ટ્વિટ કરીને કહ્યું છે કે, આંદોલન ખતમ થવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આ આંદોલન પૂરું થયું નથી. કુસ્તીબાજો સાક્ષી મલિક અને બજરંગ પુનિયા વિશે, ન્યૂઝ એજન્સી ANIએ સોમવારે કહ્યું હતું કે,  તેઓ ભારતીય રેલ્વેમાં તેમની નોકરીમાં ફરી જોડાઈ ગયા છે. આ સમાચાર સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સાક્ષી મલિકે કુસ્તીબાજોના વિરોધથી પોતાને દૂર કરી લીધા છે.


બજરંગ પુનિયાએ શું કહ્યું?


આ સમાચાર અંગે કુસ્તીબાજ પુનિયાએ ટ્વીટ કર્યું હતું કે, આંદોલન પાછું ખેંચવાના સમાચાર અફવા છે. આ સમાચાર આપણને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. અમે ન તો પીછેહઠ કરી છે અને ન તો આંદોલન પાછું ખેંચ્યું છે. મહિલા રેસલર્સે એફઆઈઆર દાખલ કરવાના સમાચાર પણ ખોટા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.


સાક્ષી મલિકે શું કહ્યું?


બીજી તરફ કુસ્તીબાજ સાક્ષી મલિકે ટ્વીટ કર્યું કે, આ સમાચાર બિલકુલ ખોટા છે. ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈએ ના તો પીછેહઠ કરી છે અને ના તો કરશે. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું. અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ચલાવો.




ગૃહમંત્રી અમિત શાહને મળી હોવાની સાક્ષી મલિકની કબુલાત


સાક્ષી મલિકે આજે સોમવારે કહ્યું હતું કે, અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતાં. પરંતુ તે સામાન્ય વાતચીત જ હતી. અમારી માત્ર એક જ માંગ છે અને તે છે તેમની (બ્રિજ ભૂષણ સિંહ) ધરપકડ કરવામાં આવે.


'સગીરની FIR પાછી ખેંચી લેવાના સમાચાર પણ ખોટા'


આ સાથે સાક્ષીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે, મેં વિરોધમાંથી પીછેહઠ કરી નથી, મેં રેલ્વેમાં ઓએસડી તરીકે મારું કામ ફરી શરૂ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું. અમે પાછા હટીશું નહીં. તેણીએ (સગીર છોકરી) કોઈ એફઆઈઆર પાછી નથી  ખેંચી, આ બધી અફવાઓ ખોટી છે.