નાસિકમાં IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે સોમવારે એક 'એક્સ' (અગાઉ ટ્વિટર) યુઝરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના મત્સ્યઉદ્યોગ મંત્રી નિતેશ રાણેને ટેગ કરીને ફરિયાદ કરી હતી. યુઝરે દાવો કર્યો હતો કે પુણેમાં ઇન્ફોસિસમાં "જેહાદી ઉત્પીડન" ચાલી રહ્યું છે. યુઝરે 'એક્સ' પર લખ્યું હતું કે 'પ્રિય સર, @NiteshNRane @Dev_Fadnavis, પુણેમાં @InfosysBPMમાં ઘણી છોકરીઓ ખાસ કરીને ડેમલર પ્રોજેક્ટમાં જેહાદી ઉત્પીડન વિશે ફરિયાદ કરી રહી છે. શું તમે કૃપા કરીને તેની તપાસ કરી શકો છો?" મંત્રી નિતેશ રાણેએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું-"Noted." જેના જવાબમાં યુઝરે લખ્યું હતું કે "આભાર સર. જો જરૂર પડી તો હું તમને વધુ વિગતો DM કરીશ
નોંધનીય છે કે તાજેતરમાં જ નાસિકમાં TCS ના આઠ મહિલા અને એક પુરુષ કર્મચારીઓએ માનસિક અને જાતીય સતામણીનો આરોપ લગાવતી ફરિયાદો કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના પર નમાઝ પઢવા, બીફ ખાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેમનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
'ગંભીર ચિંતાજનક અને દુઃખદ'
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને TCS નાસિક પરના આરોપોને "ગંભીર ચિંતાજનક અને દુઃખદ" ગણાવ્યા છે અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ હેઠળ આ મામલાની તપાસની જાહેરાત કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની નાસિક શાખામાંથી બહાર આવી રહેલી ફરિયાદો અને આરોપો ખૂબ જ ચિંતાજનક અને દુઃખદ છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે TCSના ચીફ ઓપરેટિંગ ઓફિસર આરતી સુબ્રમણ્યમની દેખરેખ હેઠળ સંપૂર્ણ તપાસ ચાલી રહી છે, જેથી હકીકતોની તપાસ કરી શકાય અને પરિસ્થિતિ માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી શકાય.
નિદા ખાન મુખ્ય સૂત્રધાર છે
નાસિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આ કેસમાં નિદા ખાનને કથિત માસ્ટર માઈન્ડ તરીકે ઓળખી કાઢી છે. તપાસ મુજબ, આરોપીઓએ કથિત રીતે મહિલા કર્મચારીઓને પ્રેમ સંબંધોમાં ફસાવીને અને બાદમાં તેમનું શોષણ કરીને તેમને નિશાન બનાવી હતી. SIT ને જાણવા મળ્યું છે કે આરોપીઓએ પીડિતોને નમાઝ પઢવા અને તેમનો પહેરવેશ બદલવા સહિત ચોક્કસ ધાર્મિક પ્રથાઓ અપનાવવા માટે પણ પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
શું છે આખો મામલો?
નાસિક પોલીસે TCS ની BPO સેવામાં કામ કરતા છ આરોપીઓની ધરપકડ કરી છે. તેમના પર કંપનીમાં કામ કરતી જૂનિયર મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. કેટલીક મહિલા કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓની અટકાયત કરી હતી. હાલમાં તપાસ ચાલી રહી છે અને આરોપોની હદ નક્કી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નિતેશ રાણેનું મોટું નિવેદન
મંત્રી નિતેશ રાણેએ સમગ્ર ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા તેને "કોર્પોરેટ જેહાદ" ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમાજે આને ગંભીરતાથી લેવાની જરૂર છે. રાણેએ દાવો કર્યો કે આશરે 15 મહિલા પીડિતોએ ફરિયાદો નોંધાવી છે અને અન્ય પીડિતોને આગળ આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો ક્યાંય પણ આવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તો લોકોએ આગળ આવવું જોઈએ અને સરકાર તેમની સુરક્ષાની જવાબદારી લેશે. તેમણે કંપનીના HR વિભાગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે જો આવી ગંભીર પ્રવૃત્તિઓ ચાલી રહી હોય, તો HR એ શું પગલાં લીધાં.
