Births Death Data Link With Electoral Rolls: સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી સાથે લિંક કરવા સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યાલય 'જનગણના ભવન'નું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે.
તેમણે કહ્યું કે, ડિજિટલ, સંપૂર્ણ અને સચોટ વસ્તી ગણતરીના ડેટાના બહુ-પરિમાણીય લાભ થશે. વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પહોંચે. શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.
'મતદાર યાદીમાંથી તમારું નામ આપોઆપ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે'
અમિત શાહે કહ્યું, “મૃત્યુ અને જન્મ રજીસ્ટરને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. તેવી જ રીતે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તે માહિતી આપમેળે ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરશે.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ (RBD), 1969 માં સુધારો કરવા માટેનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જારી કરવા, લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવા વગેરે સંબંધિત બાબતોને પણ સરળ બનાવશે. શાહે જણાવ્યું હતું કે, "જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયનો અંદાજ લગાવીને વિકાસના કામોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે."
"આપણા દેશમાં વિકાસ માંગ આધારિત છે"
અમિત શાહે કહ્યું, “હું છેલ્લા 28 વર્ષથી વિકાસ પ્રક્રિયા સાથે જોડાયેલો છું અને જોયું છે કે આપણા દેશમાં વિકાસ માંગ આધારિત છે. જે જનપ્રતિનિધિઓની બોલબાલા હતા તેઓ તેમના મતવિસ્તારના વિકાસનો વધુ લાભ લઈ શકતા હતા. આ એ કારણોમાં એક છે કે આપણો વિકાસ કેમ ભાગોમાં થયો અને ડુપ્લિકેશનને કારણે વધુ ખર્ચાળ રહ્યો છે.”
નવા જનગણના ભવન સાથે, અમિત શાહે જન્મ અને મૃત્યુની નોંધણી માટેના વેબ પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું. વસ્તીગણતરી અહેવાલોનો સંગ્રહ, વસ્તી ગણતરીના અહેવાલોના વેચાણ માટેનું ઓનલાઈન પોર્ટલ અને જીઓફેન્સીંગ સુવિધા સાથે એસઆરએસ મોબાઈલ એપનું અપગ્રેડેડ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.