Jammu Kashmir Election: જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે યોજાઈ શકે છે ચૂંટણી, ભાજપના સ્થાનિક એકમોનું Action Mode On.


Jammu Kashmir Election: બીએલ સંતોષે પાર્ટીના નેતાઓને કહ્યું, “એક નેતા ત્યારે જન્મે છે જ્યારે તે અન્ય અને સંગઠનની જીત માટે નિઃસ્વાર્થપણે કામ કરે છે. તેથી તમે તમારી જાતને તમામ સંગઠનાત્મક ફરજો માટે સમર્પિત કરો છો”


BJP Ready for Jammu Kashmir Election: ભારતીય જનતા પાર્ટી (BJP)એ જમ્મુ-કાશ્મીરમાં આગમી સમયમાં સંભવિત ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષે બુધવારે પાર્ટીના જમ્મુ અને કાશ્મીર યુનિટને વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરવા કહ્યું.


કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક દરમિયાન તેમણે બૂથ અને વિધાનસભા મતવિસ્તાર સ્તરે પાર્ટીના એકમોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે પાર્ટીના પ્રભારીઓને પોતપોતાના વિસ્તારોમાં ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.


હાલમાં જ અમિત શાહે યોજી હતી બેઠક :
 
થોડા દિવસો પહેલા જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર યુનિટના પદાધિકારીઓ સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


કાર્યકર્તાઓને કહ્યું- "પાર્ટીની જીત માટે સમર્પિત રહો"


બુધવારે એક બેઠકમાં પાર્ટીના નેતાઓને સંબોધતા સંતોષે કહ્યું, “એક નેતાનો જન્મ ત્યારે થાય છે જ્યારે તે અન્ય લોકો અને સંગઠનની જીત માટે નિઃસ્વાર્થપણે કામ કરે છે. એટલા માટે તમારે બધાએ તમારી જાતને સંગઠનાત્મક ફરજો માટે સમર્પિત કરવી જોઈએ." તેમણે પાર્ટીના જમ્મુ અને કાશ્મીર યુનિટને ચૂંટણીની તૈયારી કરવા કહ્યું.


આ બેઠકમાં મોટા નેતાઓ રહ્યા હતા હાજર :


કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરુણ ચુગ અને જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દર રૈના પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જિતેન્દ્ર સિંહે પોતાના સંબોધનમાં કહ્યું, "જમ્મુ-કાશ્મીરમાં ઐતિહાસિક ફેરફારો પછી આ પહેલું મોટું ચૂંટણી અભિયાન છે અને તેથી આપણે સાથે મળીને આ ચૂંટણી લડવાની જરૂર છે."


જમ્મુ-કાશ્મીરને 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું :


જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે "આનાથી દરેક સમુદાયના વિકાસ અને સશક્તિકરણનો માર્ગ મોકળો થયો છે". જણાવી દઈએ કે, ઓગસ્ટ 2019માં કેન્દ્રએ 370ની કલમને નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.