જામનગર:ગઇકાલે સાંજે બિપરજોય વાવાઝોડ કચ્છમાં લેન્ડફોલ થયું હતું જેની સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દ્રારકાના દરિયાકાંઠાને વિસ્તારમાં થઇ છે. પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. જામનગરના સેતાવાડ ગામમાં મકાનની છત અચાનક ધરાશાયી થતાં પરિવારના 5 લોકો ફસાઇ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાંચેય લોકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું.
દ્વારકામાં ચાલુ વરસાદમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી બિપરજોય વાવાઝોડુ પસાર થઇ ગયું છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દ્વારકામાં પણ વાવાઝોડા બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે.
દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.
વાવાઝોડાએ મચાવી તબાહી, દરિયાનું પાણી ગામમાં ઘૂસ્યા
બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ બિપરજૉય વાવાઝોડાને લઇને માહિતી આપી હતી કે, આ વાવાઝોડુ તબાહી મચાવી શકે છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે.
દ્વારકાના દરિયા કાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ભારે કરન્ટના કારણે ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવ્યુ છે. દરિયાના કરન્ટ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો મળ્યા મળી રહ્યાં છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લેન્ડફૉલ બાદ બિપરજૉય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે. બચાવ ટીમો દ્વારા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગાંધીધામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે