રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારતના બે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમની સાથે, ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને પણ મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
પરિવારના સભ્યોએ એવોર્ડ મેળવ્યા હતા
રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારત રત્ન એવોર્ડ સમારોહ યોજાયો હતો. તમામ એવોર્ડ તેમના પરિવારના સભ્યોએ મેળવ્યા હતા.ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવે રાષ્ટ્રપતિ દ્વારા તેમના પિતાને આપવામાં આવેલો એવોર્ડ સ્વીકાર્યો હતો.
તે જ રીતે ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોક દળ (RLD)ના અધ્યક્ષ જયંત ચૌધરીએ મુર્મુ પાસેથી સન્માન સ્વીકાર્યું. સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવ અને કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો.
ભારત રત્ન કર્પુરી ઠાકુરના પુત્ર રામ નાથ ઠાકુરે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે કેન્દ્ર સરકારે મારા પિતાના કાર્યને સ્વીકાર્યું અને તેમને આ એવોર્ડ આપ્યો. સમગ્ર દેશ વતી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું
આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સરકારે આ વર્ષે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ ભારત રત્ન પુરસ્કારોની જાહેરાત કરી હતી.