મહેસાણા: વિજાપુરના રાજકારણમાં ફરી ભડકો થયો છે. પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલને એપીએમસીની ચૂંટણી લડવી ભારે પડી છે. પી આઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પીઆઈ પટેલે ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારો સામે પેનલ બનાવી ચૂંટણી લડી હતી. તો ભરત પટેલે પણ વ્યક્તિગત ઉમેદવારી નોંધાવી હતી.


પીઆઈ પટેલ અને સુરેશભાઈ પટેલનો એપીએમસી ચૂંટણીમાં વિજય થયો હતો. તો ભરત પટેલની ચૂંટણીમાં હાર થઈ હતી. તો બીજી તરફ સુરેશભાઈ પટેલનો જિલ્લા ભાજપ પ્રમુખને લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પત્રમાં પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ અને અન્ય ભાજપ અગ્રણીઓ સામે જૂથવાદનો આક્ષેપ કર્યો હતો. જે બાદ હવે પાર્ટીએ આ તમામ લોકો પર કાર્યવાહી કરી છે.


નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ


હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ પરની ચર્ચા દરમિયાન સી જે ચાવડાની ભાજપ સરકારને ચેલેન્જ આપી. તેમણે કહ્યું, ગુજરાતમાં એકપણ નવો ડેમ ભાજપ સરકારે નથી બનાવ્યો . નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યા છે, ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.


ગેનીબેને બટાકા, ડુંગળીનો મુદ્દો ઉઠાવ્યો


બટાકાના ભાવ અંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, બટાકા, ડુંગળી, લસણ નો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજાર માં બટાકા 20 રૂપિયે કિલો મળી રહ્યા છે, સામે પક્ષે ખેડૂતો 2-3 રૂપિયે કિલો બટાકા વેચી રહ્યા છે. બજાર ભાવ અને ખેડૂતના ભાવ વચ્ચેનો ગેપ ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ. ખેડૂતો માટે સરકારના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરે, રાજ્યના ખેડૂતો માટે વિશેષ સહાય કરે એ જરૂરી છે. બટાકામાં થતા 12 પ્રકારના ખર્ચનું સરકાર વળતર આપે. ખેડૂતોની ડબલ આવક કરવાની વાત કરીએ છીએ તો યોગ્ય ભાવ પણ આપો. ગેનીબેનના આક્ષેપો અંગે મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં જવાબ આપતાં કહ્યું, સામાન્ય કરતા આ વર્ષે બટાકાના વધારે ઉત્પાદનની શક્યતા છે. બટાકાના ભાવમાં ઘટાડો અટકાવવા સરકારે પ્રયત્ન કર્યો છે, અન્ય રાજ્યોમાં જતા બટાકાનો યોગ્ય લાભ આપવા સહાય જાહેર કરી છે.


સુરત શહેરના મહિધરપુરા ખાતે રહેતા અને વોચમેનની નોકરી કરતાં યુવક સાથે 6 મહિના પહેલા યુવકે મિત્રતા કેળવી હતી. બાદમાં મળવા બોલાવી પોલીસની ઓળખ આપી 50 હજાર લૂંટી લીધા હતા. હનીટ્રેપમાં ફસાયેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.