દૂધસાગર ડેરીએ પશુ આહાર 'સાગર દાણ'ના ભાવમાં પ્રતિ બોરી ₹200 થી ₹250 નો વધારો કર્યો છે. આનાથી પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!
Dudh Sagar Dairy price hike: મોંઘા દાણથી પશુપાલકોમાં ભારે આક્રોશ; દૂધ હિત રક્ષક સમિતિએ ભાવ વધારો પાછો ખેંચવા આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ.

- દૂધસાગર ડેરીએ પશુ આહાર 'સાગર દાણ' ભાવ વધાર્યો.
- ઊંચા ભાવથી પશુપાલકોમાં રોષ, આર્થિક સંકટ વધ્યું છે.
- દૂધ સમિતિએ ભાવ પાછા ખેંચવા ડેરીને અલ્ટીમેટમ આપ્યું.
- ભાવ નહીં ઘટતા ઉગ્ર આંદોલન, સહકારી રાજકારણ ગરમાયું.
Dudh Sagar Dairy price hike: મહેસાણાની દૂધસાગર ડેરીએ ખેડૂતો અને પશુપાલકોને આર્થિક મોરચે મોટો ઝટકો આપ્યો છે. ડેરી તંત્ર દ્વારા પશુ આહાર 'સાગર દાણ'ના ભાવમાં પ્રતિ બોરી 200 થી 250 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ અસહ્ય ભાવ વધારાને કારણે દૂધ ઉત્પાદકો અને પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને મહેસાણાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પશુપાલકોના હિત માટે કામ કરતી 'દૂધ હિત રક્ષક સમિતિ'એ આ મામલે ડેરી પ્રશાસનને આડે હાથ લીધું છે અને વધેલા ભાવ પાછા ખેંચવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
મોંઘા ઘાસચારા વચ્ચે પશુપાલકો આર્થિક પાયમાલીના આરે
પશુપાલકોના જણાવ્યા મુજબ, એક તરફ મોંઘો દાણ અને ઘાસચારો ખરીદવો પડી રહ્યો છે, જ્યારે બીજી તરફ દૂધના પૂરતા ખરીદ ભાવ મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં સાગર દાણના ભાવ આભને આંબી જતાં પશુપાલનનો ખર્ચ સતત વધી રહ્યો છે અને સામાન્ય પશુપાલકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. દૂધસાગર ડેરીના (Dudh Sagar Dairy) ચેરમેન અશોક ચૌધરી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગ્રામીણ સ્તરે પશુપાલકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.
10 દિવસમાં ભાવ પાછા નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
દૂધ હિત રક્ષક સમિતિ દ્વારા ડેરી તંત્રને લેખિતમાં કડક ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 10 દિવસમાં આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે, તો તમામ દૂધ મંડળીઓ આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન શરૂ કરશે. સમિતિના અગ્રણી ભગવાનભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, "જો દૂધસાગર ડેરી ભાવ પરત નહીં ખેંચે, તો દૂધનો વ્યવસાય થંભાવી દે તેવું મોટું અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે."
આ પણ વાંચોઃ ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
સહકારી રાજકારણમાં ફરી ગરમાવો આવશે
ભૂતકાળમાં વિપુલભાઈ ચૌધરીના શાસનકાળ દરમિયાન ઊભા થયેલા વિવાદો બાદ જે રીતે સમિતિઓ સક્રિય થઈ હતી, તે જ રીતે હવે અશોક ચૌધરીના આ નિર્ણય સામે પણ મોરચો મંડાયો છે. પશુપાલકોના વર્તમાન મૂડને જોતા આગામી દિવસોમાં મહેસાણાના સહકારી રાજકારણમાં દૂધનો મોટો ઉભરો આવે અને ડેરી પ્રશાસન સામે મોટો હોબાળો થાય તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.
Frequently Asked Questions
દૂધસાગર ડેરીએ શેમાં ભાવવધારો કર્યો છે?
આ ભાવવધારાની પશુપાલકો પર શું અસર થશે?
મોંઘા દાણ અને ઘાસચારા વચ્ચે આ ભાવવધારાથી પશુપાલનનો ખર્ચ વધશે. પરિણામે, સામાન્ય પશુપાલકો આર્થિક પાયમાલીના આરે આવી જશે.
ભાવવધારાનો વિરોધ કોણ કરી રહ્યું છે અને તેમની શું માંગ છે?
'દૂધ હિત રક્ષક સમિતિ' આ ભાવવધારાનો વિરોધ કરી રહી છે. તેઓ દૂધસાગર ડેરી પ્રશાસન પાસે વધેલા ભાવ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે.
ભાવવધારો પાછો ખેંચવા માટે કેટલા દિવસનું અલ્ટીમેટમ અપાયું છે?
દૂધ હિત રક્ષક સમિતિએ ભાવવધારો પાછો ખેંચવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે.






















