મહેસાણાના કડીના અગોલમાં ભાજપના મહિલા સભ્યના ભત્રીજાના વરઘોડામાં નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ
ભાજપના મહિલા સભ્યના ભત્રીજાના લગ્નપ્રસંગે વરઘોડામાં લાખો રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કરાયાનો વીડિયો વાયરલ થયો છે

મહેસાણા જિલ્લાના કડીનું આગોલ ગામ વિવાદમાં આવ્યું છે. અહીં ભાજપના મહિલા સભ્યના ભત્રીજાના લગ્નપ્રસંગે વરઘોડામાં લાખો રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કરાયાનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના મહિલા નેતાના પરિવારના સભ્યોએ વિસ્તારના બિલ્ડીંગો અને ધાબા પરથી ચલણી નોટોનો વરસાદ કરી આર્થિક તાકાતનું પ્રદર્શન કર્યું. એટલું જ નહીં ભીડ એકઠી થતા અનેકના જીવને જોખમ પણ ઉભું થયું હતું. હવામાં ઉડતી નોટોને પકડવા માટે અનેક લોકો જીવના જોખમે મકાનો પરથી કૂદકા મારતા નજરે પડ્યા હતા.
અહીં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાના રીતસર લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રૂપિયા એકઠા કરવા ગરીબો જીવને જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા. હવામાં ઉડતી નોટો લેવા બાળકો- યુવાઓએ પડાપડી કરી હતી. જીવના જોખમે લોકોએ નોટો લેવા પડાપડી કરી હતી. અગાઉ પણ અગોલ ગામમાં નોટોના વરસાદ મુદ્દે વિવાદમાં આવી ચૂક્યું છે. આ માહોલમાં અનેક લોકોએ ખિસ્સામાં નોટો ભરી હતી, જ્યારે રસ્તા પર પડેલી નોટો વીણવા માટે પડાપડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
કડી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય ઝુલેખા ઈદરીશભાઈના ભત્રીજાના લગ્નમાં નોટોનો વરસાદ થયો હતો. આરોપ છે કે ભાજપના તાલુકા પંચાયત સદસ્ય ઝૂલેખાબેન ઇદરીશભાઈના ભત્રીજાના આ લગ્ન પ્રસંગમાં ગ્રામજનો અને મહેમાનોની હાજરીમાં લાખોની ચલણી નોટો હવામાં ઉડાડવામાં આવી હતી. આ વરઘોડો જ્યારે અગોલ ગામના મુખ્ય ચોકમાં પહોંચ્યો, ત્યારે મકાનોની છત પરથી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ડીજેના તાલે ઝૂમતા લોકો વચ્ચે નોટો ઉડતા જ સ્થાનિક યુવકો અને બાળકોમાં નોટો પકડવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો એકબીજા પર પડતા જોવા મળ્યા હતા, જેના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે, અગોલ ગામ અગાઉ પણ આવા નોટોના વરસાદ માટે ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ભૂતકાળમાં પણ એક પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગોમાં આવી જ રીતે લાખોની નોટો ઉડાડવામાં આવી હતી.























