મહેસાણાઃ ઉંઝા હની ટ્રેપના મામલે પોલીસે મુખ્ય સુત્રધાર ડિમ્પલ પટેલની ધરપકડ કરી લીધી છે. અગાઉ પોલીસે હનીટ્રેપના કેસમાં 6 આરોપીને પકડી લીધા હતા. ત્યારે આ ગેંગને લઈને મોટો ધડાકો થયો છે. ઉંઝાના નામાંકિત પેઢીના મહેતાજી ઉપરાંત આ અંગે અન્ય ત્રણ શખ્સોને પણ તેમણે હનીટ્રેપમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. 


પોલીસ તપાસ દરમિયાન આ ટોળકીએ અગાઉ પણ જિલ્લામાં 3 લોકોને હનીટ્રેપમાં ફસાવી રકમ વસૂલી કર્યા હોવાનું કબુલ્યું હતું. જેમાં સાત મહિના પહેલા મહેસાણાથી ઉનાવા વચ્ચે એક મારવાડી ઈસમને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી 2 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું કબુલ્યું હતું.


એટલું જ નહીં, છ એક મહિના પહેલા ઊંઝામાં રહેતા મોટી ઉંમરના એક વડીલને છોકરીનો નંબર આપી વાતચીત કરાવ્યા બાદ વડનગરના ગેસ્ટ હાઉસમાં બોલાવી પાછા ફરવાના સમયે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. આ ટોળકીએ ઊંઝાના એક નવયુવાનને નંબર આપી વાતચિત કરાવી વિસનગર તરફ આવેલા ગેસ્ટ હાઉસમાં યુવતી મોકલી પરત આવવાના સમયે હની ટ્રેપમાં ફસાવી ધમકીઓ આપી 15 લાખ રુપિયા પડાવી લીધા હતા


ઉંઝા હનીટ્રેપના કેસમાં પોલીસ ફરિયાદ પછી ડિમ્પલ પટેલ ફરાર થઈ ગઈ હતી. હવે તેને પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે. આ ટોળકીએ ઊંઝાના નામાંકિત પેઢીના મહેતાજીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 58 લાખથી વધુની રકમ ખંખેરી હતી. આ મામલે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મહેસાણા SOG ટીમે આખી ગેંગને દબોચી લીધી હતી.


હનીટ્રેપની મુખ્ય સૂત્રધાર ડિમ્પલ પટેલને ઊંઝા પોલીસે ઉનાવા પાસેથી ઝડપી લીધી છે. જેને આજે શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે. ઊંઝા ખાતે નામાંકિત કંપનીમાં નોકરી કરતા યુવકને ચાર મહિના પહેલા અજાણી યુવતીએ ફોન કર્યો હતો. તેમજ તેની સાથે મીઠી મીઠી વાતો કરી  પ્રેમજાળમાં ફસાવ્યો હતો. દરમિયાન યુવકને ઐઠોર ચોકડી એકાંત માણવાના બહાને બોલાવ્યો હતો. અહીં યુવતીએ યુવક સાથે એકાંત માણવાની ઓફર કરી હતી. આથી બન્ને યુવકના પરિચિતની ઓફિસમાં સમય વિતાવ્યો હતો. આ પછી યુવતીએ વિસનગર મૂકી જવા કહેતા યુવકે પોતાના વાહનમાં યુવતીને લઈ મુકવા જતા રસ્તામાં તેના પતિની ઓળખ આપી કેટલાક શખ્સોએ ગાડી ઉભી રાખી રકઝક કરી હતી.


તેમજ ઊંઝાના નટુજી ઠાકોર સહિતના માણસોએ સમાધાન કરી રસ્તો કરવા પૈસાથી મામલો થાળે પડવાની વાત કરી યુવક પાસેથી રૂપિયા 35 લાખ રૂપિયા પડાવી લીધા હતી. બાદમાં યુવતીને તેના ઘરે મૂકી જશે તેવી ધાકધમકીઓ આપી અને યુવતીને બાળક થવાનું હોઈ અબોર્શન કરવા સહિતની બહાનબાજી કરી વધુ પૈસાની માંગણી કરાતા યુવકે વધુ પૈસા આપ્યા હતા.


આ પછી સુરત વરાછા પોલીસના નામે કોલ કરી ઓબોર્શનના કેસમાં ફસાવાની ધમકી આપી વધુ રૂપિયા 12 લાખ પડાવ્યા હતા. આમ, ભોગબનનાર યુવક પાસેથી કુલ 58.50 લાખ ખંખેરી લીધા બાદ પણ પીછો ન છૂટતો હોઈ યુવકે ઊંઝા પોલીસને જાણ કરી હતી. તેમજ યુવકે  ડિમ્પલ પટેલ નામની યુવતી અને ઊંઝાના નટુ ઠાકોર સહિત 7 શખ્સો સામે સામાજિક બદનામી અને ખોટી ફરિયાદો કરી ફસાવી દેવા સહિત પૂર્વ આયોજિત કાવતરાને અંજામ આપવા મામલે ફરિયાદ નોંધાવી હતી.