મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ફરી મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે.  નારાયણ રાણે અને તેમના પુત્ર ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુને લઈને નિવેદન આપ્યું હતું,  જેના પર દિશાના માતા-પિતાએ નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલામાં રાજ્ય મહિલા આયોગે માલવણી પોલીસ સ્ટેશનને તપાસ માટે પણ કહ્યું હતું. દિશાના પરિવારની ફરિયાદ બાદ પિતા-પુત્ર વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. નિવેદનો બાદ હવે તેમની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે માલવણી પોલીસ સ્ટેશને કેન્દ્રીય મંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસે રાણેને પોલીસ સ્ટેશન આવીને તેમનું નિવેદન નોંધવવા કહ્યું છે. આ સંદર્ભે તેમને 4 માર્ચે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવાયું છે. આ સાથે જ નિતેશ રાણેને 3 માર્ચે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.


દિશાના પરિવારે કરી હતી ફરિયાદ 
પોલીસના જણાવ્યા અનુસાર, દિશાની માતાની ફરિયાદના આધારે  માલવણી પોલીસે IPC કલમ 500, 509 અને IT એક્ટ 67 હેઠળ કેસ નોંધ્યો છે. દિશાની માતાએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના પ્રકરણ દરમિયાન આ નેતાઓએ દિશા વિશે અભદ્ર નિવેદનો કરીને તેની પુત્રીને બદનામ કરી હતી. આ મામલામાં મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકાંકરે કહ્યું કે દિશાના ઓટોપ્સી રિપોર્ટ અનુસાર દિશા પર બળાત્કાર થયો નથી અને તે ગર્ભવતી પણ નથી. આથી પોલીસે દિશાના મૃત્યુ અંગે ખોટી અને પાયાવિહોણી માહિતી આપવા બદલ નારાયણ રાણે અને ધારાસભ્ય નિતેશ રાણે સામે કાર્યવાહી કરવી જોઈએ.


નારાયણ રાણેએ  કર્યો હતો આક્ષેપ
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેએ થોડા દિવસો પહેલા દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે દિશા સાલિયાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર અમારા પરિચિત છે, અમારી પાસે બધી માહિતી છે. રાણેએ એમ પણ કહ્યું કે સાવન નામનો વ્યક્તિ સુશાંત સિંહ રાજપૂતના ઘરે રહેતો હતો, તે અચાનક કેવી રીતે ગાયબ થઈ ગયો? તેમણે એમ પણ કહ્યું કે, દિશા સાલીયનના બિલ્ડીંગનો ચોકીદાર પણ ગાયબ છે, સોસાયટીના મુલાકાતી રજીસ્ટરના પાના પણ ગાયબ છે, આવું કેમ થયું? રાણેએ આક્ષેપ કર્યો હતો કે દિશા સાલિયાનની આત્મહત્યાનો મામલો હજુ પૂરો થયો નથી. દિશા સાલિયાનના મૃત્યુને લઈને  કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણે શિવસેના અને મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યા છે. ભૂતકાળમાં, તેમણે દાવો કર્યો હતો કે દિશાનું મૃત્યુ આત્મહત્યા નથી પરંતુ તેનો બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે આ અંગે વધુ પુરાવા છે.આ કેસની તપાસ પૂર્ણ થઈ નથી. આવું કેમ થયું?


 અગાઉ પણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી
ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેની ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો ત્યારનો છે જ્યારે તેઓ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન  તેમની યાત્રા રાયગઢના મહાડ પહોંચી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંદર્ભમાં વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કેવા મુખ્યમંત્રી છે જેને પોતાના દેશના સ્વતંત્રતા દિવસની પણ ખબર નથી. જો હું ત્યાં હોત, તો મેં તેમને કાન નીચે થપ્પડ મારી હોત. આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં નારાયણ રાણે વિરૂદ્ધ દેખાવો શરૂ થયા અને તેમની ધરપકડની માંગ ઉઠવા લાગી હતી. ત્યરબાદ તેમની સામે નાશિકમાં કેસ નોંધવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી.