Coromandel Express Derails: ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 16 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી હતી તે હવે સમાપ્ત થઇ છે. અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે તો 900થી વધુ ઘાયલ થયા છે.
બાલાસોરમાં બચાવ કામગીરી પુરી થઈ
ઓડિશાના બાલાસોરમાં બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. રેલવે પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું કે, પીએમ પોતે ઘટનાસ્થળની મુલાકાત લેશે. આ અકસ્માતમાં બે એક્સપ્રેસ અને એક માલગાડીનો સમાવેશ થાય છે. કટક, બાલાસોર અને સ્થળ માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી 39 ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જવાબદારો સામે પગલાં લેવાશે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધી 288 લોકોના મોતની પુષ્ટી થઇ છે.
ઘટનાના પગલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટનાગ્રસ્ત બોગીઓનું નિરીક્ષણ કર્યું હતું, રાહત કામગીરીની સમીક્ષા કરી હતી અને બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને મળ્યા હતા, પરંતુ પ્રશ્નોથી દૂર ભાગતા પણ જોવા મળ્યા હતા.
મીડિયા સાથે વાત કરતી વખતે તે મોટાભાગના સવાલોના જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. ઘણા સવાલોના જવાબમાં તેમણે એટલું જ કહ્યું કે તેઓ જોશે, તેમના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જ્યારે તેઓ તેમના રાજીનામાના પ્રશ્ન પર મૌન રહ્યા હતા.
કોરોમંડલ ટ્રેન અકસ્માતઃ PM મોદી આજે ઓડિશાની મુલાકાત લેશે
PM નરેન્દ્ર મોદી આજે ઓડિશા જશે. પહેલા તે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ કટકની હોસ્પિટલમાં ઘાયલોને મળવા પણ જશે.
મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનાર તમામ કાર્યક્રમો રદ્દ
મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે યોજાનાર દેશભરના તમામ કાર્યક્રમો ભાજપે મોકૂફ રાખ્યા છે. ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને કારણે તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા હતા