વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાયની 10મો હપ્તા તરીકે 10.09 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. 20,900 કરોડ આપવાની જાહેરાત કરી છે. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને આ રકમ આપવાનું એલાન ર્યું હતું. વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન, વડા પ્રધાને લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ને 14 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી હતી, જેનાથી 1.24 લાખ ખેડૂતોને ફાયદો થયો હતો.
આ કાર્યક્રમમાં નવ મુખ્યમંત્રીઓ, વિવિધ રાજ્યોના અનેક મંત્રીઓ અને કૃષિ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે નવા વર્ષ 2022ના પહેલા દિવસે લગભગ 10.09 કરોડ લાભાર્થીઓને લગભગ 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. પીએમ-કિસાન કાર્યક્રમ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે PM-KISANનો 9મો હપ્તો ઓગસ્ટ 2021 સુધી બહાર પાડવામાં આવ્યો હતો. તાજેતરના હપ્તા સાથે, યોજના હેઠળ પૂરી પાડવામાં આવેલ કુલ રકમ આશરે રૂ. 1.8 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.
શું છે પીએમ કિશાન યોજના
PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે, જે પ્રત્યેક 2000-2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે, એટલે કે વર્ષમાં ત્રણ વાર, 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા નાણાં સીધા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 1 ડિસેમ્બર, 2018થી કાર્યરત છે. તે ભારત સરકાર તરફથી 100% ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. આ યોજના હેઠળ, ખેડૂત પરિવારોને વાર્ષિક 6000/- ની આવક સહાય આપવામાં આવે છે. આ યોજના માટે પરિવારની વ્યાખ્યા પતિ, પત્ની અને સગીર બાળકો છે.