PM Modi Security Breach Case:મુખ્યમંત્રી ભગવંત માને 5 જાન્યુઆરી, 2022ના રોજ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારીને ક્લીનચીટ આપી છે. સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને એક કમિટીની રચના કરી હતી જેણે અનિરુદ્ધ તિવારીને દોષિત ઠેરવ્યો હતો.                                                                                                                                         

  


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી અંગેના અહેવાલની રાહ જોઈ રહી છે અને કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ભલ્લાએ પંજાબ સરકારને ત્રણ રિમાઇન્ડર મોકલી દીધા છે. પંજાબ સરકારે અત્યાર સુધી કાર્યવાહી કરી છે અને માત્ર સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ ઘટના રાજ્યમાં ત્યારે બની જ્યારે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની હતા અને કોંગ્રેસની સરકાર હતી.


મે મહિનામાં મુખ્યમંત્રીને 4 પાનાની નોટ મોકલવામાં આવી હતી


આ સાથે, રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, કેન્દ્રના રિમાઇન્ડરના જવાબમાં, ભૂતપૂર્વ મુખ્ય સચિવ વિજય કુમાર જાંજાએ મે મહિનામાં અનિરુદ્ધ તિવારી વિરુદ્ધ કાર્યવાહી માટે મુખ્ય પ્રધાનને 4 પાનાની નોંધ મોકલી હતી. આ સિવાય જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં તૈનાત એક અધિકારીએ અનિરુદ્ધ તિવારી પાસેથી જવાબ માંગ્યો તો તેણે સમગ્ર દોષ પંજાબ પોલીસ પર નાખ્યો અને કહ્યું કે મુખ્ય સચિવ કાર્યાલય બ્લુ બુક મેન્ટેન કરતું નથી. બ્લુ બુક વડાપ્રધાન અને અન્ય મહાનુભાવોની મુલાકાત માટે પ્રોટોકોલ સૂચવે છે.                        


સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી પેનલે દોષિત ઠેરવ્યા હતા


સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી પેનલે આ કેસમાં અનિરુદ્ધ તિવારીને દોષિત ઠેરવ્યા હતા. પેનલને જાણવા મળ્યું કે તેમણે વડાપ્રધાનના કાફલા સાથે મુસાફરી કરવા માટે કોઈ અધિકારીને નિયુક્ત કર્યા નથી.