Draupadi Murmu won presidential election : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ભવ્ય જીત થઇ છે, તો તેમની સામે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાની હાર થઇ છે. ત્રીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મુએ જીતનો 50 ટકા મતનો સત્તાવાર આંકડો પ્રાપ્ત કરી લીધો. આ સાથે જ દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થઇ રહ્યો છે અને આ દિવસે જ દ્રૌપદી મુર્મુનો શપથગ્રહણ સમારોહ યોજાશે.
પહેલા રાઉન્ડમાં દ્રૌપદી મુર્મુને 540, યશવંત સિંહાને 208 મત મળ્યાં
રાજ્યસભાના સેક્રેટરી પીસી મોડીએ પહેલા રાઉન્ડ વિષે જણાવ્યું હતું કે પહેલા રાઉન્ડમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 540 મત મળ્યાં હતા જેની વોટ વેલ્યુ 3,78,000 થાય છે અને તેમની સામે યશવંત સિંહાને 208 મત મળ્યાં, જેની વોટ વેલ્યુ 1,45,600 થાય છે. આ સાથે 15 મત રદ્દ કરવામાં આવ્યા હતા. આ પહેલા રાઉન્ડમાં સાંસદોના મતની ગણતરી કરવામાં આવી હતી.
બીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મુને 1349, યશવંત સિંહાને 537 મત મળ્યાં
બીજા રાઉન્ડની મતગણતરીમાં 10 રાજ્યોના મત ગણવામાં આવ્યા. આ બીજા રાઉન્ડમાં દ્રૌપદી મુર્મુને 809 મત મળ્યા અને યશવંત સિંહાને 329 મત મળ્યા. આમ પહેલા અને બીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મુને 1349, યશવંત સિંહાને 537 મત મળ્યાં.
ત્રીજા રાઉન્ડમાં દ્રૌપદી મુર્મુને 812, યશવંત સિંહાને 521 મત મળ્યાં
ત્રીજા રાઉન્ડમાં 10 રાજ્યોના મતની ગણતરીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 812 મત મળ્યાં, જયારે સામે યશવંત સિંહાને 521 મત મળ્યા. આ સાથે ત્રીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મુને 2161 અને યશવંત સિંહાને 1058 મત મળ્યા છે. આમ ત્રીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મુ 50 ટકા લીડથી આગળ છે.
યશવંત સિંહાએ આપી શુભકામનાઓ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ભવ્ય જીત થઇ, તો સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની હાર થઇ. યશવંત સિંહાએ પોતાની હાર સ્વીકાર કરતા ટ્વીટ કરીને દ્રૌપદી મુર્મુને શુભકામનાઓ આપી. ટ્વીટમાં તેમણે લખ્યું -
“હું શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માં તેમની જીત બદલ અભિનંદન આપવા માટે મારા સાથી નાગરિકો સાથે જોડું છું. ભારતને આશા છે કે પ્રજાસત્તાકના 15મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ ડર કે પક્ષપાત વિના બંધારણના રક્ષક તરીકે કામ કરશે.”