Citizenship Amendment Act in India: લોકસભા ચૂંટણી 2024ને આડે વધુ સમય બાકી નથી. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નું નોટિફિકેશન બહાર પાડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય કદાચ આવતા મહિને માર્ચમાં CAA નોટિફિકેશન બહાર પાડી શકે છે. નોંધણી માટે CAAનું ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ નવા નિયમ હેઠળ મંત્રાલયને પાકિસ્તાનમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલય માર્ચના એક કે બે અઠવાડિયામાં નાગરિકતા સંશોધન કાયદા સાથે સંબંધિત નિયમો અંગે સૂચના જાહેર કરે તેવી શક્યતા છે. આ નિયમો લાગુ થયા બાદ સૌથી મોટો ફાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવામાં થશે. કેન્દ્ર સરકારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા એટલે કે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા આ નિયમો બનાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
ગૃહ મંત્રાલયે ઓનલાઈન પોર્ટલ ડ્રાય રન કર્યું છે
સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, CAAનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેનું ડ્રાય રન પહેલાથી જ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. CAAનો સૌથી મોટો ફાયદો પડોશી દેશોના એવા શરણાર્થીઓને થશે જેમની પાસે કોઈપણ પ્રકારના દસ્તાવેજ નથી. આનાથી તેમને નાગરિકતા મેળવવામાં ઘણી મદદ મળશે.
સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ CAAને મંજૂરી આપી હતી
દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બે વખત આ વાતનું પુનરોચ્ચાર કરી ચૂક્યા છે કે, લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવામાં આવશે. તેમણે ભાર પૂર્વક કહ્યું છે કે આ દેશનો કાયદો છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી. દેશની સંસદે 11 ડિસેમ્બર, 2019 ના રોજ CAAને મંજૂરી આપી હતી.
આ ત્રણ દેશોના લોકો નાગરિકતા માટે અરજી કરી શકશે
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, CAA હેઠળ, 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ ત્રણ દેશોના લોકો જ નાગરિકતા માટે અરજી કરવા પાત્ર હશે.