Manipur Violence: શુક્રવારે રાત્રે મણિપુર-આસામ સરહદ પર જીરી અને બરાક નદીઓના સંગમ નજીક જીરીબામ જિલ્લામાંથી છ ગુમ થયેલા લોકોમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના મંત્રીઓ જેમના નિવાસસ્થાને વિરોધીઓએ હુમલો કર્યો હતો તેમાં સપમ રંજન, એલ સુસિન્દ્રો સિંહ અને વાય ખેમચંદનો સમાવેશ થાય છે.
મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ નદીની નજીકથી મળી આવ્યાના એક દિવસ પછી, શનિવારે વિરોધીઓએ ત્રણ રાજ્ય મંત્રીઓ અને છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો, જેના કારણે સરકારે પાંચ જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લાગુ કર્યો છે. જીરીબામમાં છ બંધકોના મૃત્યુનો વિરોધ કરી રહેલા ટોળાએ શનિવારે સાંજે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેના કારણે હિંસાગ્રસ્ત રાજ્યમાં સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે બીજી મોટી અથડામણ સર્જાઇ છે.
પોલીસે જણાવ્યું કે, દેખાવકારોએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના જમાઈ સહિત છમાંથી ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેમની મિલકતોને આગ લગાડવામાં આવી હતી, જ્યારે સુરક્ષા દળોએ ઈમ્ફાલના વિવિધ ભાગોમાં વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.તેમણે કહ્યું કે, બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે, ઇમ્ફાલ ખીણના પૂર્વ અને પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ, ઈન્ટરનેટ બંધ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા દળોને વ્યવસ્થા જાળવવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા અને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મંત્રાલયે લોકોને શાંતિ જાળવવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોને સહકાર આપવા અપીલ કરી છે. આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે.
લેમ્ફેલ સનાકેથેલ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ ડેવિડે પત્રકારોને જણાવ્યું હતું કે, "સપમે અમને ખાતરી આપી હતી કે, કેબિનેટની બેઠકમાં ત્રણ લોકોની હત્યા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર જાહેર ભાવનાઓને માન આપવામાં નિષ્ફળ જશે તો મંત્રી રાજીનામું આપશે." "
પોલીસે જણાવ્યું કે, વિરોધીઓએ ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ વિસ્તારમાં ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંહના નિવાસસ્થાને પણ હુમલો કર્યો હતો. મોડી સાંજે, ટોળાએ તેમના નિવાસસ્થાન પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.