આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ છે. આ અવસર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં 14270 ફૂટની ઉંચાઈ પર પંગત્સો તળાવના કિનારે તેમના પિતા અને ભારતના પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. સમાચાર એજન્સી ANIએ આ અંગેની માહિતી આપી છે. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકાસ રસૂલ વાલીએ ANIને જણાવ્યું કે રાજીવ ગાંધીએ દેશ માટે પોતાનો જીવ આપી દીધો. અમે તેમને યાદ કરવા અહીં ભેગા થયા છીએ.






સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ લખ્યું, પપ્પા, તમારી આંખોમાં ભારત માટેના જે  સપના હતા તે આજે  આ અમૂલ્ય યાદો બનીને આંખોથી  છલકાઈ રહ્યાં છે. આપના પદચિન્હ મારો રસ્તો છે., હું દરેક ભારતીયના સંઘર્ષ અને સપનાને સમજું છું  ભારત માતાનો અવાજ સાંભળી રહ્યો છું.


રાહુલે કહ્યું- લદ્દાખમાં લોકો ખુશ નથી


પિતાને શ્રદ્ધાંજલિ બાદ રાહુલ ગાંધીએ ચીનની ઘૂસણખોરી અંગે કહ્યું કે, અહીં બધા કહી રહ્યા છે કે ચીની સેના ઘૂસી ગઈ છે. જ્યારે  વડાપ્રધાન કહે છે કે, અહીં કોઈ આવ્યું નથી, તો ખરેખર હીકકત શું છે. તે જાણવા માટે અહીં આવીને લોકોને પૂછો તો સત્ય સમજાશે. તેમણે કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે. લદ્દાખને મળેલા દરજ્જાથી લોકો ખુશ નથી. લોકોને પ્રતિનિધિત્વની જરૂર છે. લોકો કહી રહ્યાં છે કે રાજ્ય નોકરશાહી દ્વારા ન ચલાવવું જોઈએ, તે લોકોના અવાજથી ચાલવું જોઈએ.


રાહુલ લદ્દાખના પ્રવાસે છે


રાહુલ ગાંધી હાલ  લદ્દાખની મુલાકાતે છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી અને રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં પુનર્ગઠન કર્યા પછી રાહુલ ગાંધીની લદ્દાખની આ પ્રથમ મુલાકાત છે. આવતા અઠવાડિયે તેઓ કારગિલ જશે, જ્યાં આવતા મહિને હિલ કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે.