રાજકોટ: રાજકોટમાંથી  બંટી-બબલી  પકડાયા છે.  બંનેએ મળી અપહરણ અને લૂંટનું તરકટ રચ્યું હતું. વાત એમ છે કે, હાર્દિક ટાંક નામના યુવકને તેનો શેઠ સોનાના 2 બિસ્કિટ લેવા સોની બજારમાં મોકલે છે.  હાર્દિક આ વાતની જાણ તેની ફ્રેન્ડ કોમલ ગોસાઈ અને હસનૈનને કરે છે.  ત્રણેય મળી પહેલા તો હાર્દિકના અપહરણનું તરકટ રચે છે. બાદમાં 12 લાખ, 65 હજારની લૂંટ થઈ હોવાનું નાટક કરે છે.  જો કે, પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જતાં કોમલ અને હસનૈનની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી હાર્દિકની પોલીસે શોધખોળ શરૂ કરી છે.




હાર્દિક અચાનક ગુમ થઈ ગયો હતો


શહેરના યુનિવર્સિટી રોડ ઉપર ટૂર એન્ડ ટ્રાવેલર્સની કંપની સાથે ગોલ્ડ સ્કીમનો વેપાર કરતા પ્રતિકભાઇ ચંદ્રકાંતભાઈ ભીમજીયાણીએ ફરિયાદ નોંધાવી હતી. તેમની ઓફિસમાં છેલ્લા પાંચેક વર્ષથી કામ કરતો હાર્દિક સુરેશભાઈ ટાંક નામનો કર્મચારીને સોની બજારમાં આવેલા પોતાના ભાગીદારની દુકાને અંદાજિત રૂપિયા પાંચ લાખ રોકડા આપવા અને બે જેટલા 100 ગ્રામના સોનાના બિસ્કીટ લાવવા માટે મોકલ્યો હતો. આ દરમિયાન હાર્દિક અચાનક ગુમ થઈ ગયો હતો. બાદમાં તેનો અન્ય નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં હાર્દિકે જણાવ્યું હતું કે તે મેટોડા જીઆઇડીસીમાં છે અને તેનું કોર્પોરેશન ચોકમાંથી એક યુવક અને યુવતી દ્વારા બાઈક અકસ્માત બાદ અપહરણ કરવામાં આવ્યું હતું. તેની પાસે રહેલ સોનાના બિસ્કીટ સહિત રોકડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.




લૂંટ અને અપહરણનું નાટક કરવામાં આવ્યું


રાજકોટમાં આ પ્રકારનો ગુન્હો સામે આવતા પોલીસને પ્રથમ દ્રષ્ટિએ શંકા ગઈ હતી. જ્યારે મામલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે ઘટનાને લઈને અલગ અલગ સીસીટીવી સહિતની બાબતો ચકાસવામાં આવી હતી. જેના આધારે સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે આ એક પ્રકારનું લૂંટ અને અપહરણનું નાટક કરવામાં આવ્યું છે.  આ નાટક કરનાર આરોપી એવા હાર્દિક ટાંક હાલ ફરાર છે. જ્યારે પોલીસે બંટી બબલી એવા હસનેન રફીકભાઈ ભાસ અને કોમલબેન ધીરજગીરી ગોસાઈ પકડી પાડ્યા છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે હાર્દિક ટાંક નામના કર્મચારીને રૂપિયાની જરૂરિયાત હોય તેના કારણે તેને આ પ્રકારનું પોતાનું અપહરણ અને લૂંટનું નાટક કર્યું હતું. તેમજ આ કામ માટે કાજલ ગોસાઈને રૂ.2 લાખ આપવાનું નક્કી કર્યું હતું હાલ આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે ભેદ ઉકેલ નાખ્યો છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial