Rajkot: રાજકોટમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગઢવીએ જણાવ્યું કે, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતથી ભાજપ બોખલાઈ ગયું છે અને તેમના ઇશારે પોલીસ કામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા છે અને ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે.
ગઢવીએ આક્ષેપ કર્યો કે ચૈતર વસાવા સતત કૌભાંડો ઉજાગર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તે ભાજપને ખટકી રહ્યું છે, અને આ ખાર રાખીને તેમની સામે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો એક ધારાસભ્યની ખોટી રીતે ધરપકડ કરાતી હોય અને તેમની ફરિયાદ લેવામાં ન આવતી હોય, તો એક સામાન્ય આદિવાસી વ્યક્તિની શું હાલત હશે.
ચૈતર વસાવાની ધરપકડ બાદ કલમ 144 લાગુ
નર્મદાના ડેડીયાપાડામાં MLA ચૈતર વસાવાની ધરપકડ બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા કલમ 144 લાગુ કરવામાં આવી છે. અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખને થપ્પડ માર્યાના આરોપમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવા વિરુદ્ધ મોડી રાત્રે ગુનો દાખલ કરાયો હતો. આજે બપોર બાદ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાશે. LCB ઑફિસ બહાર SRPની ટીમ તૈનાત કરવામાં આવી છે.
લાફાકાંડ મુદ્દે ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યએ આવુ કૃત્ય ન કરવું જોઈએ. આવી રીતે હુમલો કરવો ધારાસભ્યને શોભતું નથી. ગુનો કર્યો છે એટલે કાર્યવાહી થવી જોઈએ. લોકોને ધમકાવવા, મારવા ચૈતર વસાવાનું કામ છે.
ચૈતરે દાવો કર્યો હતો કે સમિતિમાં આ 6 સભ્યોની પસંદગીનો વિરોધ હતો અને આ બાબતે ચર્ચા શરૂ થઈ હતી કે સમિતિમાં ફક્ત ચૂંટાયેલા સભ્યો જ રહેવા જોઈએ. અને વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને બે અઠવાડિયા સુધી કોઈ કાર્યક્રમનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ કહ્યું કે આ સમિતિના સભ્યો છે, અમે નક્કી કર્યું છે. તેમનું કામ થશે અને મીટિંગો પણ યોજાશે. આ બાબતે બંને પક્ષો વચ્ચે ચર્ચા ઉગ્ર બોલાચાલી થઇ હતી અને જેના કારણે કથિત રીતે ઝપાઝપી થઈ હતી.
ધારાસભ્ય ચૈતરના સમર્થકો અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીનો આરોપ છે કે ચૈતર સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પોલીસે તેમની ફરિયાદ સાંભળી નહીં અને તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ અને વહીવટીતંત્રે ભાજપ સાથે મળીને લોકશાહીની હત્યા કરી છે. ચૈતરને તેમના વકીલને મળવા દેવામાં આવ્યા ન હતા. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે વિવાદ પછી ચૈતર વસાવાને નર્મદાના રાજપીપળા સ્થિત એલસીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.