(Source: ECI | ABP NEWS)
રાજકોટમાં વિજયભાઈની પ્રાર્થનાસભામાં પહોંચ્યા કેજરીવાલ,પરિવારને મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, VIDEO
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. ગઈકાલે તેમની અંતિમ વિધિ બાદ આજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. ગઈકાલે તેમની અંતિમ વિધિ બાદ આજે બપોરે રેસકોર્ષ સ્થિત રમેશ પારેખ ઓપન એર થિયેટર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ ભારે હૈયે પોતાના લોક લાડિલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને રૂપાણી પરિવારને સાંત્વના અર્પણ કરી હતી.
#WATCH | Rajkot, Gujarat: AAP National Convenor Arvind Kejriwal attends the prayer meeting of former Gujarat CM Vijay Rupani and pays tribute. pic.twitter.com/BlC3GKgxAf
— ANI (@ANI) June 17, 2025
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ યુનિયન અધ્યક્ષ શિવલાલભાઈ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી રાજકોટ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી અને ત્યારબાદ તેમના પત્ની, દીકરી અને દીકરાને મળીને સાંત્વના પાઠવી હતી.
અગ્રણીઓ મોટી સંખ્યામાં પ્રાર્થના સભામાં ઉમટી પડ્યા
તમામ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં પ્રાર્થના સભામાં ઉમટી પડ્યા હતા. વરસાદી વાતાવરણમાં જે રીતે અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી. તે રીતે જ પ્રાર્થના સભામાં પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના નેતાઓ, કાર્યકરો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. આગામી ગુરૂવારે ગાંધીનગર ખાતે અલગ-અલગ બે સ્થળોએ સ્વ.વિજયભાઇ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાંજલિ અર્પવા માટે પ્રાર્થનાસભાનું આયોજન
અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરુવારના દિવસે વિમાન દુર્ઘટના થઇ હતી. આ વિમાન અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું. ત્યારે બીજે મેડિકલની હોસ્ટેલ પાસે ક્રેશ થયું હતું. જેમાં 250થી વધારે લોકોના મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ નિધન થયું હતું. ડીએનએ મેચ થયા બાદ ગઇકાલે 16 જૂનના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે 17 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.





















