સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. રાજકોટ કોંગ્રેસના 20થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે abp અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ સામ, દામ, દંડ, ભેદ અપનાવી ઉમેદવાર ન તોડે તે માટેની રણનીતિ અપનાવાઈ રહી છે. બે દિવસ પહેલા અમારા ઉમેદવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પ્રશાસન, પોલીસનો ઉપયોગ કરી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ફોર્મ ચકાસણીના દિવસે 3થી 4 ઉમેદવારોને અધિકારીઓએ ધમકી આપી છે. ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને ખોટી રીતે હેરાન ન કરે તે માટે સલામત સ્થળે ખસેડાયા હતા. ઉમેદવારોને અલગ અલગ સ્થળે રખાયા છે.
સુરતમાં કોંગ્રેસ ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા
સુરત મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના 40 ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા હતા. નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈ કોંગ્રેસે રણનીતિ બનાવી છે. શહેરથી દૂર 11 ગુપ્ત લોકેશન પર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોના મોબાઈલ ફોન પણ જમા કરાવાયા છે. દરેક ઉમેદવારના ઘર પાસે બે વિશ્વાસુ કાર્યકરો તૈનાત કરાયા છે. ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તેને લઈ કોંગ્રેસે રણનીતિ અપનાવી છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.
સુરત મનપાની ચૂંટણી પહેલા AAPને ઝટકો
સુરત મનપાની ચૂંટણી પહેલા AAPને ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું છે. નીતા પટેલે રાજીનામું આપી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટીએ રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યો છે. મનોજ સોરઠિયા, રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી, રામ ધડૂક પર ઓળખીતાઓ પાસેથી રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યો છે. નીતા પટેલની સાથે મહિલા વિંગના ઉપ પ્રમુખોએ પણ રાજીનામું આપ્યું છે.
ભાજપ ઉમેદવાર બન્યા રોષનો ભોગ
વડોદરામાં ભાજપ ઉમેદવાર લોકોના રોષનો ભોગ બન્યા હતા. ભાજપ ઉમેદવાર સ્મિત આરદેશનો સ્થાનિકોએ ઉધડો લીધો હતો. ગટરની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ સવાલો પૂછ્યા હતા. જેના કારણે ભાજપ ઉમેદવાર ક્ષોભની સ્થિતિમાં મુકાયા હતા.





















