Rajkot: રાજકોટમાં ભાજપના કોર્પોરેટર વજીબેચરના પતિ કવા ગોલતરના કારસ્તાન મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કવા ગોલતરે સરકારી જમીન પર દબાણ કરીને 100થી વધુ ઓરડીઓ બનાવી તેને ભાડે આપવાનો પર્દાફાશ થયો હતો. મીડિયામા અહેવાલો આવ્યા બાદ મનપાએ તપાસના આદેશ આપ્યા હતા. ખુલાસો થયો હતો કે કવા ગોલતરે સરકારી જમીન પર દબાણ કરી 100થી વધુ ઓરડીઓ બનાવી અને તેને હજારથી ત્રણ હજાર રૂપિયામાં ભાડે આપી હતી.


રાજકોટ મનપાના કમિશનરે કહ્યું હતું કે સ્લમ વિસ્તારમાં ઓરડીઓ ભાડે આપી હશે તો કાર્યવાહી થશે. રાજકોટ મનપા કમિશનરે કહ્યું હતું કે લાલપરી તળાવ પાસે આ જગ્યાઓ આવેલી છે. અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ભાડેથી જગ્યાઓ આપેલી છે.આ બાબતે તપાસ ચાલુ છે. ભાડેથી આપવામાં આવ્યું હોય તો આ બાબતે તપાસ કરવામાં આવશે. આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. પ્રાથમિક સર્વે મુજબ 350 જેટલા આ વિસ્તારમાં મકાનો આવેલા છે. આ બાબતે અમારી તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે આ જગ્યાની માલિકી મહાનગરપાલિકાની છે.

નોંધનીય છે કે કવા ગોલતરે દ્ધારા પહેલા અહીં પશુઓ બાંધવામાં આવતા હતા. સરકારી જગ્યામાં 10 થી 15 વર્ષ પહેલા દબાણ કરવામાં આવ્યું હતું. પ્રદ્યુમ્ન પાર્ક પાસે ગેરકાયદે ઓરડીઓ અને મકાનો બનાવી ભાડે આપવાની ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. કવા ગોલતર પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપવાની ગોરખધંધો કરતો હતો. રાજકોટમાં કરોડોના જમીન કૌભાંડની આશંકા છે. કવા ગોલતરે સરકારી જમીન પર પોતાના નામથી શેરીનું પણ નિર્માણ કરી દીધું હતું. નોટિફાઈડ સ્લમ વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું હતું.


નોંધનીય છે કે ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના 20 આવાસ ભાજપના કોર્પોરેટર દેવુબેન અને વજીબેનના પતિએ પોતાના અને પોતાના કુટુંબના નામે કરી દીધા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વોર્ડ નં- 5ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને વોર્ડ નં- 6ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવે ગોકુલનગર આવાસ યોજનામાં આવાસ હડપ કરવા માટે ષડ્યંત્ર રચ્યું હતું. જેમાં લાભાર્થીઓની યાદીમાં પોતાના અને પોતાના સગાંવહાલાંઓના નામ નાખીને 20 ફ્લેટ મેળવી લીધા હતા.