જોકે રસીકરણનો આ તબક્કો માત્રને માત્ર આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ માટે જ છે છતાંય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને પોતાને પ્રાથમિકતા મળશે તેવી આશા વ્યક્ત કરી છે. ખુદ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નીતિન પટેલે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરેલી છતા પણ ગોવિંદભાઈને એવું છે કે ધારાસભ્ય બન્યા એટલે બધું આપણું જ છે.
ગોવિંદભાઈની જેમ જ કેટલાય રાજનેતાઓ આવી આશા રાખી રહ્યા છે કે રસી પહેલા તેમને મળે. જો કે અનેક રાજનેતાઓએ સોશલ ડિસ્ટસિંગના નિયમને કોઈ પ્રાથમિક ન આપી. નિયમોનો ભંગ પણ કર્યો. કદાચ એ જ કારણ રહ્યું કે આ નેતાઓની દાનતને નીતિનભાઈ પહેલેથી જ સમજી ચુક્યા છે અને એટલે જ ગઈકાલે રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ આવ્યો એટલે નીતિન પટેલે પહેલી જ ચીમકી રાજનેતાઓને આપતા કહ્યું હતું કે, વેક્સિન મેળવવા લાગવગ ન લગાવવી અને વેક્સીન માટે નેતાઓ અને અધિકારીઓને પહોંચનો દુરુપયોગ ન કરવા કહ્યું હતું.
નોંધનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે કોરોના વેક્સીનનો જથ્થો આજે આવશે. સૌ પ્રથમ રાજકોટના રિજનલ વેક્સિન સ્ટોરમાં 77 હજાર ડોઝ પહોંચાડવામા આવશે. બાદમાં અહીંથી 8 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિનનું વિતરણ કરાશે.
મુંબઈથી હવાઈમાર્ગે સીધો વેક્સિનનો જથ્થો રાજકોટ આવશે. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે આજે વેક્સિનનો જથ્થો આવશે. સુરત સહિત દક્ષિણ માટે 93 હજાર 500 ડોઝ આવશે. 16 તારીખથી સુરતના 22 સ્થળો પર આરોગ્યકર્મીઓને રસી અપાશે. તો વડોદરામાં પણ આજે બાય રોડ વેક્સિનનો જથ્થો આવશે.