Rajkot Shastra Pujan: આજે દેશભરમાં દશેરા-વિજયા દશમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. ઠેર ઠેર શસ્ત્ર પૂજન વિધિ થઇ રહી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન વિધિ કરી હતી. રાજકોટમાં પણ આજે પોલીસ જવાનો અને અધિકારીઓએ ઓફિસમાં શસ્ત્ર પૂજન વિધિ યોજી હતી. 




આજે સવારે રાજકોટમાં પોલીસ અધિકારીઓએ અને પોલીસ જવાનોએ દબદબાભેર શસ્ત્ર પૂજન કર્યુ હતુ. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓએ સવારે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં જ શસ્ત્ર પૂજનનું આયોજન કર્યુ હતુ.




આ શસ્ત્ર પૂજનમાં રાજકોટ શહેર પોલીસે જુદી જુદી કેટેગરીની પિસ્તોલ, રિવૉલ્વરથી લઇને સ્નાઇપર સહિતના હથિયારોની મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી હતી. ખાસ વાત છે કે, પોલીસ સ્ટાફે શસ્ત્ર પૂજનની સાથે સાથે અશ્વ પૂજન અને વાહન પૂજન પણ કર્યુ હતુ. વિજ્યા દશમીનો તહેવાર અસત્ય પર સત્યનો વિજયને બતાવે છે. 




ભારત જેવા દેશમાં સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન રામની પૂજા સાથે જ શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે. 


આજે બે શુભ મુહૂર્તમાં ઉજવાશે દશેરા 


દર વર્ષે, નવરાત્રિ ઉત્સવના સમાપન સાથે, દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિજયાદશમીનો તહેવાર 24 ઓક્ટોબર મંગળવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ કેલેન્ડર અનુસાર, વિજયાદશમીનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે.


જ્યોતિષ ડો.અનીશ વ્યાસે જણાવ્યું કે આ વર્ષે દશેરાના તહેવાર પર બે શુભ યોગ પણ બની રહ્યા છે. આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 23 ઓક્ટોબરે સાંજે 5:44 વાગ્યે શરૂ થશે અને 24 ઓક્ટોબરે બપોરે 3:14 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર આ વર્ષે દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.









આ દિવસે વાહન, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, સોનું, આભૂષણો, નવા કપડાં વગેરેની ખરીદી કરવી શુભ છે. દશેરાના દિવસે ભગવાન નીલકંઠના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે એવી માન્યતા છે કે જો તમે નીલકંઠ પક્ષીના દર્શન કરો છો તો તમારા બધા ખરાબ કાર્યો દૂર થઈ જાય છે. નીલકંઠ પક્ષીને ભગવાનનું પ્રતિનિધિ માનવામાં આવે છે. દશેરા પર નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે કોઈપણ સમયે નીલકંઠના દર્શન કરવામાં આવે તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિ જે પણ કામ કરવા જઈ રહ્યો હોય તેમાં સફળતા પણ મળે છે.