Rajkot News: રાજકોટ લોધિકા સહકારી સંઘમાં જૂથવાદ વકર્યો છે. વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સામે અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા જૂથ વચ્ચે વિવાદ થયાવત છે. રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીતની પ્રમુખપદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ તેમને  પ્રમુખપદેથી દૂર કર્યા છે. બાબુભાઇ નસીતની પાર્ટીના આદેશનો અનાદર અને સંઘમાં ચંચુપાતને લઈને દૂર કરવામાં આવ્યા છે. પ્રદેશના આદેશ બાદ જિલ્લા પ્રમુખે તાલુકા પ્રમુખને દૂર કર્યા છે. સંઘની શનિવારની બેઠક માં જૂથવાદ સપાટી પર આવ્યો હતો, તો નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું પાર્ટીના આદેશ અને વ્હીપ મુજબ કામગીરી કરી.

રાજકોટ જિલ્લામાં સહકારી જગતમાં ભાજપ ના બે જૂથ આમને સામને આવી ગયા છે. કૃભકોના ડેલિગેટ તરીકે બાબુ નસીતની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજકોટ લોધીકા સંઘમાં ભાજપમાં જૂથવાદ પ્રદેશ સુધી પહોંચ્યો છે.




બોર્ડ મીટિંગમાં 10 ઠરાવ મુકવામાં આવ્યા હતા


રાજકોટ લોધીકા સંઘની મળેલી બોર્ડ મિટિંગમાં અલગ અલગ 10 જેટલા ઠરાવ મુકવામાં આવ્યા હતા. તે પૈકી 3 જેટલા ઠરાવમાં વિરોધ નોંધાવી પૂર્વ મંત્રી રૈયાણી અને રાલો સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા સહિતનાઓએ ઠરાવ રદ કરાવવા હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત વાઈસ ચેરમેન અરજણભાઈ રૈયાણીએ બે મિટિંગ પુર્વે રાજીનામું આપી દીધુ હોવા છતા નામંજૂર કરવાનો ઠરાવ ફગાવવામાં આવ્યો હતો. આમ કુલ 12 ડાયરેક્ટરોએ સહી સાથે ત્રણ ઠરાવ સામે વાંધો નોંધાવી તે નામંજૂર કરવાનું સુચવ્યુ હતું અને બેઠકમાંથી નીકળી ગયા હતા. સંસ્થાના ડાયરેક્ટર બાબુ નશીત અન્ય સહકારી સંગઠન કૃભકોમાં સામેલ હોવાથી સભ્યપદ રદ કરવાની દરખાસ્ત મંજુર થઈ હતી. તો આ તરફ કૃભકોમાં લોધિકા સંઘના પ્રતિનિધિ તરીકે બાબુ નશીત સામે અન્ય ડાયરેક્ટરનું નામ મુકાયાનો ઠરાવ પણ નામંજૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


રાજકોટ લોધીકા સંઘના ચેરમેન, વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા સહિતનાઓએ ખુલીને વિરોધ નોંધાવ્યો હતો અને ચેરમેન, વાઇસ ચેરમેન માટે છેલ્લે સુધી ધમપછાડા કર્યા હતા. જોકે પાર્ટીએ ચેરમેન પદ પર નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરી દેવામાં આવતા વિરોધી જૂથને અવગણવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ લોધીક સંઘના જૂથવાદની અસર જિલ્લાના રાજકારણમાં જોવા મળશે કે કેમ તે મહત્ત્વનું રહેશે.