Fake Toll Plaza in Gujarat: કોઈપણ નાના ગુનાનું ડિટેક્શન થાય તો મીડિયાને બોલાવી આરોપીઓ સાથે ફોટા પડાવનાર પોલીસને હજુ મોરબીના વાંકાનેર નકલી ટોલબુથ મુદ્દે કોઈપણ આરોપીઓને પકડવાનો સમય મળ્યો નથી. જાહેરમાં દોઢ દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકાનો મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ હજુ પણ આ મુદ્દે તપાસના નામે તરકટ ચાલે છે. જે મુદ્દે ખુદ પોલીસે ફરિયાદી બની પાંચ શખ્સોની નામજોગ સાથે છ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. તે કેસમાં હજુ પણ એકપણ આરોપી પકડાયાના અહેવાલો નથી મળ્યા.
વ્હાઈટ હાઉસ નામની ફેક્ટરીમાંથી ચાલતા નકલી ટોલબુથ મુદ્દે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તપાસ ક્યા પહોંચી તે મુદ્દે પણ કોઈ જાણકારી જાહેર નથી થઈ રહી. કેમ કે FIRમાં આરોપી તરીકે નોંધાયેલા નામ પૈકી કેટલાક મોટી પહોંચવાળા હોવાને કારણે તપાસ ગોકળ ગાયે ચલાવી તરકટ રચાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સામાજિક નેતા એવા જેરામ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ પણ આ એફઆઈઆરમાં છે ત્યારે એફઆઈઆર નોંધાયા બાદ જેરામભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તે પણ ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની ગાડીમાં. જો કે દુર્લભજી દેથરીયા ત્યારે ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં પોલીસ સ્ટેશન પહોંચવાનું કારણ અલગ બતાવી રહ્યા હતા. તો જેરામભાઈ એ આ ફેક્ટરી ભાડે આપી હોવાનુ કહીને પુત્ર અમરશીનો બચાવ કર્યો હતો.
રાજ્યમાં ફર્જીવાળાના પર્દાફાશ થવા લાગ્યા છે અને અલગ અલગ પ્રકારના નકલીના ખેલ ચાલી રહ્યા છે ત્યારે દોઢ વર્ષ સુધી ચાલેલા આ નકલીના ખેલના આકા કોણ હતા અને તે આકાઓને બચાવનારાઓ કોણ હતા તે પણ સામે આવી રહ્યું નથી. આ પ્રકારની ગતિવિધિઓ પર બ્રેક લાગે તે માટે સત્વરે કાર્યવાહી થાય અને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કૌભાંડીઓને તેમની કરતૂતની સજા અપાવવાનો કાનૂની રાહે પ્રયાસ થાય તે જ જરૂરી છે. જો પોલીસે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી હોય અને તેની જાણકારી સાર્વજનિક કરવાથી તપાસને નુકસાન ન થયુ હોય તો તે જાણકારી માધ્યમો થકી જાહેર જનતા સુધી પહોંચાડાય તે આવકાર્ય છે અને જો નક્કર કાર્યવાહી ન થતી હોય તો સ્વાભાવિક રીતે જ તપાસ પર સવાલ ઉઠે અને ઉઠવાજ જોઈએ.
અહીં સવાલ એ નેતાઓ પર પણ ઉઠે છે જે કોઈને કોઈ મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્રો લખતા હોય છે. આટલો મોટો ફર્જીવાળો થયો છતાંય આરોપીઓે સત્વરે પકડવાની માગ સાથે પત્ર લખનારા કૉંગ્રેસ કે ભાજપના કોઈ ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્યનો પત્ર કેમ સામે નથી આવતો. અન્ય મુદ્દે સક્રિય દેખાતા સાંસદો અને પૂર્વ સાંસદોને પણ આ ફર્જીવાળા મુદ્દે જલ્દી કાર્યવાહી કરવું જોઈએ તેવુ ધ્યાન કેમ નથી આવતું તે એક મોટો સવાલ છે.