Ganesh Jadeja: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલ વિધાનસભા બેઠકને લઈને એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે તેવા સમયે અલ્પેશ ઢોલરિયાએ જાહેરમાં કહ્યું છે કે આગામી સમયમાં ગણેશ જાડેજા જ ગોંડલના ધારાસભ્ય બનશે અને તેઓ ખંભેખંભો મિલાવીને તેમને ધારાસભ્ય બનાવશે. ચૂંટણીના કોઈ પણ સમયે વગર જિલ્લા ભાજપ પ્રમુખના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Continues below advertisement

જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે જયરાજસિંહ જાડેજા તેમના માટે પિતા સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગોંડલની વિધાનસભા બેઠક માટે બહારના લુખ્ખાઓએ લાળ ટપકાવવાની જરૂર નથી. અલ્પેશ ઢોલરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.

આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકો ગોંડલને મિરઝાપુર ગણાવે છે તેવા લોકો આવારા તત્વો છે અને તેમનું ગોંડલમાં કોઈ સ્થાન નથી. તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને વિવિધ અટકળો વહેતી થઈ છે.

Continues below advertisement

અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમાધાનની પહેલથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનું આ પ્રકારનું નિવેદન અનેક પ્રશ્નો ઊભા કરે છે. શું આ નિવેદન પાર્ટીની સત્તાવાર લાઇન છે કે પછી તે તેમનું વ્યક્તિગત મતવ્ય છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

જો કે, જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા આટલા મોટા પાયે જાહેરમાં કોઈ નેતાને આગામી ધારાસભ્ય તરીકે પ્રોજેક્ટ કરવાથી પાર્ટીના અન્ય સંભવિત દાવેદારોમાં નિરાશા જોવા મળી શકે છે. વગર ચૂંટણીએ જ કોઈ એક નામની જાહેરાત કરવાથી પાર્ટીની અંદર પણ વિરોધના સૂર ઉઠી શકે છે.

હાલમાં તો અલ્પેશ ઢોલરિયાના આ નિવેદને ગોંડલના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે અને લોકો આ નિવેદનના વિવિધ અર્થો કાઢી રહ્યા છે. આગામી સમયમાં આ નિવેદનની પાર્ટી અને સ્થાનિક રાજકારણ પર શું અસર પડે છે તે જોવું રહ્યું. ભાજપના વરિષ્ઠ નેતાઓ આ નિવેદન અંગે શું પ્રતિક્રિયા આપે છે તે પણ મહત્વનું રહેશે.