"Ph.D માટે ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે", યુવતીના ચોંકાવનારા દાવાથી મચ્યો ખળભળાટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી Ph.Dની પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી નથી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 'Ph.Dની પરીક્ષાને લઈને કુલપતિ સમક્ષ રજૂઆત કરતી વખતે એક યુવતીએ ચોંકાવનારો દાવો કર્યો હતો. યુવતીએ કુલપતિ સમક્ષ રોષ ઠાલવ્યો હતો કે, Ph.D કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે એ તમને ખબર છે? આ સાંભળીને કુલપતિ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આવી શરમજનક રજૂઆત સમયે પણ કુલપતિ હસવા લાગ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી Ph.Dની પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી નથી. જેને લઈને NSUIના કાર્યકરો કુલપતિ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં NET અને GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવાનો કુલપતિએ નિર્ણય કર્યો હતો.
ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને NSUIની મહિલા કાર્યકરો કુલપતિને રજૂઆત કરવા ગયા હતા. 2017માં વિદ્યાર્થીનીએ પીએચડી માટે એપ્લાય કર્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિ સમક્ષ દાવો કર્યો હતો કે પીએચડી કરવું હોય તો ગાઈડ નીચે સૂવું પડે. આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્ધારા છેલ્લે 16 ડિસેમ્બર, 2023ના રોજ પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે NSUI દ્વારા પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાની માંગ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સહયોગથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યુ કે ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો યુ.જી.સી.ની ગાઈડલાઈનનું બહાનું આપી પીએચડી પ્રવેશ પરીક્ષા લઈ રહ્યા નથી.
બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર ગંભીર આરોપ લાગ્યા છે. HRDCના ડાયરેક્ટર પાસે 75 લાખ માંગ્યાનો સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો છે. UGCની ગ્રાન્ટમાંથી સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાએ 75 લાખ માંગ્યા હોવાનો આરોપ છે. ફરિયાદ કરી 10 વર્ષના હિસાબ, જરૂરી દસ્તાવેજો પણ માંગ્યા હતા. ડાયરેક્ટરે 75 લાખ ન આપતા ફરિયાદ કરાઈ હોવાનો આરોપ છે.





















