રાજકોટ: સીંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાના ભાવ સરખા થઈ ગયા છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખે તેલના ભાવની માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ સીંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાના ભાવ સરખા થઈ ગયા છે. સીંગતેલના એક ડબ્બાનો ભાવ 2700 રૂપિયા પર પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ પણ 2700 રૂપિયા થઈ ગયો છે.


આ સ્થિતિ ત્યારે આવી છે જ્યારે માર્ચ મહિનામાં સીંગતેલના એક ડબ્બાના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો હતો જ્યારે આજ મહિનામાં કપાસિયા તેલના ભાવમાં 250 રુપિયાનો ભાવ વધારો નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલા કપાસના ભાવ પણ ઉંચા રહ્યા હતા. એક મણ કપાસના ભાવ સરેરાશ 1800 થી 2100 સુધીના રહ્યા હતા. સાથે જ કપાસની એક ગાંસડીનો ભાવ 2500 રૂપિયા જેટલો પહોંચ્યો હતો. આ પરીબળોની અસરથી જ કપાસિયા તેલ જે મગફળીના તેલ (સીંગતેલ) કરતાં સસ્તું જોવા મળતું હતું તે હવે મગફળીના તેલ જેટલું જ મોંધુ થયું છે.


આ સાથે મગફળીના તેલમાં થયેલા ભાવ વધારાની વાત કરીએ તો હાલ મગફળીની આવક ઘટી છે જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં કપાસિયા તેલ સસ્તું હોવાથી લોકોને મગફળીના તેલનો વિકલ્પ મળતો હતો પણ હાલની સ્થિતિ પ્રમાણે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થતાં જનતાને બંને તેલના ભાવમાં મોંધવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.


પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો યથાવતઃ


નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ 80 પૈસા અને ડીઝલ 70 પૈસા મોંઘું મળવાનું શરૂ થઈ જશે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી જશે. અહીં પેટ્રોલ 100.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.47 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. આ પહેલા ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. છેલ્લા આઠ દિવસમાં સાતમી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.


અન્ય મુખ્ય શહેરમાં પેટ્રોલનો ભાવઃ કોલકાતામાં આજે પેટ્રોલ 108.01 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 108.53 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. કોલકાતામાં ડીઝલ 93.57 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. ચેન્નાઈની વાત કરીએ તો આજે એક લિટર પેટ્રોલ 104.43 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 104.90 રૂપિયા અને ડીઝલ 95.00 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.