રાજકોટ: ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ તે પહેલા જ વિવાદ શરુ થઈ ગયો છે. જો કે, હવે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને કોંગ્રેસમાં બે ફાંટા સામે આવ્યા છે. રાજકોટ કૉંગ્રેસના નેતા ડો હેમાંગ વસાવડાનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસના કેટલાક નેતા તેના સમર્થનમાં છે તો કેટલાક વિરોધ કરી રહ્યા છે.
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓમાં બાબા બાગેશ્વરને લઈને ફાંટા જોવા મળી રહ્યા છે. રાજકોટ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપુતનું સનસંનીખેજ નિવેદન, આ તો ભાજપના બાબા છે. મહેશ રાજપૂતે કહ્યું, બાબા વાઘેશ્વર સંત નથી બાબા છે. મોટાભાગના પોસ્ટરોમાં ભાજપના જ નેતાઓના ફોટા છે. બાબા રામદેવ ચાલી શકે તેમ નથી એટલે નવા બાબા આવ્યા છે માર્કેટમાં. કોઈ સંત ચમત્કાર ન કરી શકે. ગઈકાલે મોરારીબાપુ એ પણ કહ્યું હું આને નથી ઓળખતો. સુરતના પોસ્ટરોમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના ફોટા જોવા મળ્યા. ડોક્ટર હેમાંગ વસાવડાના નિવેદનને મહેશ રાજપૂતે વ્યક્તિગત ગણાવ્યું છે.
શું કહ્યું હેમાંગ વસાવડાએ
તો હેમાંગ વસાવડાએ કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્યદરબારમાં નરેન્દ્ર મોદી,અમિત શાહ અને ભાજપનો પ્રચાર કર્યો હોઈ તેવું મારા ધ્યાને નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ઉપાસક છે અને ધર્મપ્રચારક છે. રાજકોટ ખાતે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ સોશિયલ મીડિયામાં સમર્થકો એક્ટિવ થયા છે. વોટ્સેપ,ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં સમર્થકો પોસ્ટ કરી રહ્યા છે. " I SUPPORT BAGESHWAR DHAM SARKAR " ના લખાણ મૂકવામાં આવ્યા છે.
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પર મોરારીબાપુએ શું આપ્યું મોટુ નિવેદન
બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસ પર આવવાના છે. આ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ અંગે મોરારીબાપુએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે મોરારીબાપુએ કહ્યું, હું સંવાદનો માણસ છું. હું વિવાદમાં કોઈ કોમેન્ટ કરતો નથી. મે છાપામાં વાચ્યું છે કે, હનુમાન કથા કરવા આવે છે એટલું જ જાણું છું.
મોરારીબાપુએ આ અંગે વધુમાં કહ્યું કે, હું સંવાદનો ગ્રંથ લઈ જગતમાં સંવાદની વાત કરું છું, વિવાદ બાબતે હું કંઈ ના કહી શકું. હું સંવાદને સ્વીકારું છું. સૌ પોત પોતાની રીતે કરે છે, હું વ્યાસપીઠ પરથી કરું છું. ચમત્કાર મારો વિષય નથી. હું હરિનામ લઉ છું અને હરિ નામ લેવડાવું છું.