Gujarat Rain: રાજકોટ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. તો બીજી તરફ ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ગોંડલ શહેરનો વેરી તળાવ ઓવરફ્લો થયો હતો.
જે બાદ વેરી તળાવની નીચે આવેલ આશાપુરા ડેમ,સેતુબંધ ડેમ અને ગોંડલી નદી બે કાંઠે જોવા મળી હતી. ગોંડલ શહેરની નદીઓમાં ભારે પુર જોવા મળી રહ્યું છે. ખેતરોમાં પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરોના પાળા તૂટ્યા હતા. ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વેરી તળાવ નીચે આવતા ગોંડલ તાલુકાના ગોંડલ,કંટોલિયા, વોરા કોટડા, ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર
આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટના ગોંડલમાં વરસાદે તોફાની બેટીંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે.
ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બન્યા નદી
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial