હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળ્યા છે ત્યારે ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ગીર ગઢડાના કણેરીમાં 1 કલાકમાં 5 ઈંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઈંચ અને એભલવડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તમામ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરનો સામાન પલળી ગયો હતો. આથી લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.


ઘરની અંદર ભરાયેલા પાણીને લોકોએ તગારા ભરી-ભરીને બહાર કાઢ્યા હતાં. એક કલાકમાં પાંચ ઈંચ વરસાદથી ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં. ભારે વરસાદથી ગામના ખેતરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. પ્રાચીનું માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ થયું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી.

સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદથી બેટમાં ફેરવાયું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. તાલાલા અને ગીરમાં ભારે વરસાદથી હિરણ 2 ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી તાલાલા અને વેરાવળના 15 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.