રાજકોટ: ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિત જોવા મળી રહી છે. રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે.
જામનગર, રાજકોટ, જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના કારણે જળાશયો છલકાયા છે. ભારે વરસાદના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી જ પાણી છે. રાજકોટના લોધિકામાં 17 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કોલીથડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મોટાભાગના હાઈવે પર પાણી ફરી વળ્યા.
જામનગરના 30થી વધુ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. NDRF અને SDRF દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. 64 લોકોને હેલિકોપ્ટરથી એયર લિફ્ટ કરાયા. કાલાવડમાં અત્યારસુધી 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગરમાં પડેલા ભારે વરસાદ બાદ બચાવ અને રાહતકાર્ય માટે એન.ડી.આર. એફની ટીમ રવાના થઈ છે. રાહત અને બચાવ કામગીરીમાં એન.ડી.આર. એફ. ની 4 ટીમો કાર્યરત છે. ઍરફોર્સના હેલિકોપ્ટરથી પણ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. 64 લોકો અત્યાર સુધી એયર લિફ્ટ કરાયા છે. 31 અન્ય લોકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે તકેદારી માટે બહારના રાજ્યોમાંથી પણ ટિમો મંગાવાશે.
જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાંના ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે.
બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.