રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, એમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી 35 તાલુકમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3.7 ઇંચ પડ્યો હતો. આ પછી ગીરસોમનાથના કોડિનાર તાલુકમાં 1.7 ઇંચ, રાજકોટના જેતપુરમાં 1.5 ઇંચ, દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વેરાવળમાં 1.4 ઇંચ, ગીરસોમનાથના સુત્રાપાડામાં 1.1 ઇંચ, જામજોધપુરમાં 1 ઇંચ અને જૂનાગઢના મેંદરડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.


ખેડૂતો ખુશખુશાલ, નાના બાળકો ન્હાવા નીકળી પડ્યા.

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઉપલેટા તાલુકાના ગામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. મોટી પાનેલી, વલાસણ, માંડાસણ, હરિયાસણમાં પણ સૂપડા ધારે મેઘો મંડાયો છે. જોરદાર પવન સાથે વરસાદ ચાલુ થયો છે.

હવામાન વિભાગે કરેલ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં સારા વરસાદની આગાહી મેઘરાજા સાચી ઠેરવતા હોય તેમ યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોર વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદની મેઘરાજાએ બેટિંગ કરી છે. ધોધમાર વરસાદને લઈને વીરપુરના રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

માલેતાની સીંધણી નદીમાં આવ્યું પૂર

દેવભૂમી દ્વારકાના કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે વરસાદથી સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ છે. માલેતાની સીંધણી નદીમાં પૂર આવ્યું છે. યાત્રાધામ દ્વારકામાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. બપોરે વરસાદી ઝાપટા બાદ ફરી વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. સુત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. લોઢવા, વાવડી, પસનાવડા, સિંગસર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે.

જામનગરના લાલપુર પંથકમાં એક કલાકના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. તાલુકાના નાંદુ,રી ગોદાવરી, રીંજપુર, ચોરબેડી, નાના ખડબા, ખીરસરા, નવી પીપર જેવા ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાલપુર માં ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
હજી ધોધમાર વરસાદ ચાલુ છે.

પોરબદર જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. પોરબંદરના વિસાવાળા ગામે 2 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાડી-ખેતરોમાં પાણી ભરાયા છે.