રાજકોટ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યો છે. રાજકોટ શહેરમાં રવિવાર રાત્રીથી કાલ રાત્રી સુધીમાં સાડા બાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકા તાલુકામાં વરસ્યો છે. લોધિકામાં 18 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ગોંડલમાં પણ 10 ઈંચ જેટલો વરસાદ વરસી જતા રાજકોટ જિલ્લો પાણીથી તરબોળ થઈ ગયો છે.


રાજકોટથી નીકળતા મોટાભાગના હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા. મેઘરાજાએ રાજકોટ જિલ્લાને ઘમરોળી નાંખતા જિલ્લામાં આવેલા અંડરબ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ક્યાંક તો અંડરપાસ છે કે સ્વિમિંગ પુલ તે કહેવું મુશ્કેલ બન્યું છે.


આજી નદી, ન્યારી નદી તોફાની બનતા અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. જિલ્લાના નદી કાંઠા વિસ્તારના ગામોના લોકોને પ્રશાસન તરફથી સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. રાજકોટ શહેરમાં જ નદી- ડેમના કાંઠા વિસ્તારના ગામોના 1090થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.


જિલ્લાના શાપર-વેરાવળ ગામના 24 શ્રમિકોનું તેમજ વેરી ડેમના નીચાણવાળા વિસ્તારના બાલાશ્રમ અને આશાપુરા વિસ્તારનાં લોકોનું તથા મોજ નદી વિસ્તારનાં 250થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. ડેમના 27 દરવાજા 5 ફૂટ અને વેણુ ડેમના 14 દરવાજા 15 ફૂટ ખોલાયા છે. મોજ નદીમાં ઘોડાપુર આવતાં આ વિસ્તારના 250થી વધુ લોકોનું ચિત્રાવડ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયું છે.


પાંચ દિવસ વરસાદની આગાહી


સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.