રાજકોટ: હાલમાં જ રાજયમાં એક સાથે 37 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગૃહવિભાગ તરફથી આ હુકમો કરવામાં આવ્યા હતા. રાજકોટના એડીશનલ પોલીસ કમિશનરપદે 2011ની બેંચના IPS ચૈતન્ય માંડલિકની નિમણૂક કરવામાં આવી. મૂળ નાશિક મહારાષ્ટ્રના વતની તેવા ચૈતન્ય માંડલિક B.Tech (Civil Engineering) છે.
આજે તેઓએ રાજકોટ શહેરના એડીશનલ પોલીસ કમિશનર(ક્રાઇમ, ટ્રાફિક અને નિયમન)નો ચાર્જ એડીશનલ કમિશનર મહેન્દ્ર બગડીયા પાસેથી સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા પહેલા તેઓ બપોરના સમયે પરિવાર સાથે સર્કીટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાકીક હરપાલસિંહ જાડેજા અને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા સહિતના પોલીસ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પ્રશંસનિય કામગીરી કરી ચૂક્યા છે
ચૈતન્ય માંડલિક અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં DCP તરીકે ખૂબ જ પ્રશંસનિય કામગીરી કરી ચૂક્યા છે. તેમના લાંબાગાળાના ક્રાઈમ બ્રાંચના અનુભવના પગલે તેમની ટીમે અલગ-અલગ રાજ્યોમાંથી અનેક ગુનેગારોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. તેઓ એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે.
ચૈતન્ય માંડલિક અગાઉ સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં પોલીસવડા તરીકે પણ સારી કામગીરી કરી લોક ચાહના ધરાવતા હતા.
રાજકોટ શહેરમાં ખાસ કરીને જમીન સંબંધિત ગુનાઓનું પ્રમાણ ખૂબ જોવા મળતું હોય ત્યારે તેમનો અમદાવાદનો અનુભવ રાજકોટ માટે ખૂબ જ સફળ સાબિત થઈ શકે છે.
