જામનગરઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે રાજોકટ જિલ્લાના ગોંડલ શહેરમાં પાટીદાર પરિવારના પતિ-પપત્નીનું કોરોનાથી મોત થતાં પુત્ર-પુત્રી નોંધારા બન્યા છે. ગત 11મી એપ્રિલે જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે રહેતા અને દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેનનું નિધન થયું હતું. તેઓ એક સપ્તાહથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત થયા છે. 


બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. 10 એપ્રિલે વસંતબેનનું મૃત્યુ થયું હતું અને 11 એપ્રિલે જિતેન્દ્રભાઇનું મૃત્યુ થતાં સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. બંનેના મોત થતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.


સૌરાષ્ટ્રમાં કોરોનાએ SRP જવાનના પરિવારનાં ત્રણનો ભોગ લીધો , જાણો ક્યાં ફરજ બજાવતા હતા જવાન ? 


રાજકોટઃ ગોંડલ શહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોના કોરોનાથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે. ત્રણ-ત્રણ સભ્યોના મોતથી પરિવાર તેમજ એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રના અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયું છે.


મળતી વિગતો પ્રમાણે, ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.


બીજી તરફ તેમના પિતા દોલતભાઇનું પણ તેમના વતન મહારાષ્ટ્રના બેટાવદ ગામે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તેમના બહેન મંગલબેનનું પણ આ જ દિવસે કોરોનામાં નિધન થયું હતું. એક જ પરિવારની ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દોલતભાઇ ગોંડલ ખાતે એસઆરપીમાં ફરજ બજાવી તેમના વતનમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. જ્યારે તેમનાં બહેન મહારાષ્ટ્રના ભાષ્ટ ખાતે રહેતાં હતાં.