રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એડી શેઠ પત્રકાર ભવનમાં કથાકાર મોરારીબાપુએ હાજરી આપી હતી. રાજકોટ આવેલા કથાકાર મોરારી બાપુને બહુચર્ચિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. આ દરમિયાનમ મોરારી બાપુએ કહ્યું કે, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે મારે તેમની સાથે બહુ પરિચય નથી. મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે આપ શું કહેશો તેવા પ્રશ્નના જવાબમાં બાપુએ આ નિવેદન આપ્યું હતું. જોકે મોરારીબાપુની અગાઉની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે આવેલા છતાં વિવાદને લઈ બાપુએ પરિચયમાં ન હોવાનું જણાવ્યું હશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ મોરારીબાપુએ પત્રકારો વિશે કહ્યું કે, સત્યનિષ્ઠ, પ્રેમનિષ્ઠ અને કર્મનિષ્ઠ પત્રકાર થવું હોઈ તો હનુમાનજીની જેમ બાધાઓ આવશે એ પાર કરવી પડશે.


સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા


સુરત: કામરેજમાં પરણિત યુવતીએ આપઘાત કર્યો છે. સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીએ આ પગલું ભર્યું છે. શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા દિવ્યા પરમાર નામની યુવતી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું. ઘરના પહેલા માળે એકલતાનો લાભ લઈ જીવન ટૂંકાવ્યું. હાલમાં કામરેજ પોલીસે પતિ, સાસુ, સસરા સહિતના સાસરિયા પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. મહિલાએ અચાનક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


સુરતથી દિલ્લી જતી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના બનતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ


સુરતથી દિલ્લી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી છે. ઈન્ડિગો ફલાઇટ સુરતથી ટેક ઓફ થઈને તરત જ બર્ડ હિટ થતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે ફલાઇટને અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી અન્ય ઈન્ડિગો ફલાઇટમાં મુસાફરોને દિલ્લી લઈ જવાયા હતા. 50થી વધુ મુસાફરો ફલાઇટમાં મોજુદ હતા. જેમાં સુરત ના નકુલ પાટીલ અને માતા વર્ષા પાટીલ દિલ્લી એરપોર્ટ પર અટવાયા હતા.


આજે સવારે સુરાતવાસીઓ સુરતથી દિલ્લી થઈ કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના નકુલ પાટીલ સહિત તેની માતા ઇન્ડિગો ફલાઇટમાં સવાર હતા. સૌથી પહેલા અમદાવાદ પહોંચી તમામ મુસાફરોને વેટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા,પરંતુ ત્યાં સુધી શુ ઘટના બની તે મુસાફરોને જણાવવામાં આવ્યું ન હતું. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડિગો કંપનીના કર્મચારીઓએ મુસાફરો સાથે દિલ્લીમાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને 3 દિવસ ફેરવી ફેરવી કાઠમંડુ લઈ જવામાં આવશે તેવી વાત કરી હતી.