Lalbapu Birthday Special: આજે ગુજરાતમાં બે તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ રહી છે, એકબાજુ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ અને બીજીબાજુ ધાર્મિક તહેવાર શીતળા સાતમને લોકો મનાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં મહાન સંત શ્રી લાલ બાપુનો પણ જન્મદિવસ છે. ઉપલેટાના ગધેથડમાં આવેલા ગાયત્રી આશ્રમના મહંતશ્રી લાલબાપુનો આજે જન્મદિવસ હોવાથી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે, આશ્રમની અંદર અને બહાર મોટી સંખ્યા ભક્તો જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે, ગધેથડ આશ્રમમાં લાલ બાપુના આશીર્વાદ લેવા ગુજરાતના મુખ્યમંત્રી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિતના લોકો પણ સમયાંતરે પહોંચે છે. ખાસ વાત છે કે દરવર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો સમગ્ર ગુજરાતમાંથી અહીં પહોંચે છે.

આશ્રમ વિશે વાત કરીએ તો, મહંતશ્રી લાલબાપુનો આશ્રમ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામમાં આવેલો છે, આ આશ્રમ વેણુનદીના કાંઠે છે, સૌથી પ્રથમવાર વેણુનદી ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણકાર્ય લાલ બાપુએ શરુ કરાવ્યું હતું અને વર્ષ 2014માં મંદિરનું કાર્ય પૂર્ણ થયુ હતુ. આ મંદિરના નિર્માણની એક ખાસીયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર નિર્માણ વિદ્ધિ વિધાનથી શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જે ગુરુ દ્નારા સ્થાપિત કરવામાં આવી હોય અને તેમના તપને લઈને ખ્યાતિ ધરાવતી હોય.

લાલ બાપુ વિશે વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલું ગધેથડ ગામ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. વેણુ ડેમના કાંઠે વસેલુ ગધેથડ ગામ અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનારા સંત પૂજય લાલબાપુના કારણે જાણીતુ બન્યુ છે. આજથી 65 વર્ષ પહેલા ગધેથડ ગામના ક્ષત્રિયકુળના નવલસિંહ વાળા અને માતા નંદુબાને ત્યાં પુત્ર રત્નરુપે જન્મેલા લાલુભા સામાન્ય પરિવારમાંથી આવતા હતા. ગામમા સારી ખેતીની જમીન ધરાવતા પૂ. લાલબાપુ ગધેથડ નજીક આવેલા નાગવદર ગામમાં વેણુ સિમેન્ટના પાઈપ બનાવતી કંપનીમાં દૈનિક 2 રુપિયે નોકરી કરતા હતા. નાનપણથી જ ભકિતમાં ડુબેલા પૂજય લાલબાપુ દૈનિક 2 રૂપીયાની કમાણી માંથી 1 રૂપિયો એટલે કે અડધો ભાગ માતાને તેમજ બાકી રહેલો અડધો ભાગ પોતાની પૂજા માટે જરુરી સામાન ખરીદવાના ખર્ચમા વાપરતા હતા.

આ પછી તેમને માત્ર 14 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધો હતો અને નાગવદર ખાતે નાનો એવો એક આશ્રમ બનાવીને મારુતિ યજ્ઞનું કાર્ય શરૂ કર્યું હતુ. પણ કહેવત છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં. બસ આ કહેવત મુજબ તેઓ નજીકના ઢાંક ગામના પ્રખર શ્રી મગનલાલ જટાશંકર જોશી વિદ્વાન શાસ્ત્રીજી હતા તેમની પાસે સલાહ લેવા જાય છે. શ્રી મગનલાલ જોશીના જ્ઞાનથી તેઓ પ્રભાવીત હોય પૂ. લાલબાપુ ભકિતમાં હજુ આગળ કઈ રીતે વધી શકાય તેનું માર્ગદર્શન માંગે છે. શ્રી મગનલાલ જોશીને પૂ. લાલબાપુ તેમને ગુરુ ધારણ કર્યાં અને મગનલાલ જોશીએ પૂ. લાલબાપુને ગાયત્રી માતાની સાધના કરવાનુ માર્ગદર્શન આપ્યું હતું. બસ તે દિવસથી આજ સુધી પૂ. લાલબાપુ ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં ખૂબ જ નામના મેળવી ચૂકયા છે.  65 વર્ષની ઉંમર દરમિયાન પૂ. લાલબાપુ 50 વર્ષ એકાંતવાસમાં રહીને કઠોર સાધના કરી છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ વખત એકાંતવાસમાં સાધના કરી ચૂકયા છે. જેમાં 21 મહિનાથી લઈને 12 વર્ષ સુધીનો સમાવેશ થાય છે.

માત્ર સાધના નહીં પરંતુ સમાજ માટે કંઈક કરવાની ભાવના તેમનામાં જોવા મળે છે. આજના યુવાવર્ગમાં જોવા મળતા વ્યસનથી તેઓ ખૂબ દુખી છે. વારંવાર તેમના પ્રવચનમાં તેઓ યુવાનોને વ્યસન છોડવા માટેનો આગ્રહ રાખતા હોય છે. અહીં આવતા તમામ દર્શનાર્થીઓને તેઓ માતા-પિતાની સેવા કરવી તેમજ ગરીબને મદદરુપ બનવાની શિખ આપે છે. જો આપણે પરંપરા અને સંસ્કાર ટકાવી રાખીશુ તો આવનારી પેઢી અને સમાજ વિશ્વમાં ભારતનો ડંકો વગાડતા નહીં રોકી શકે તેવો વિશ્વાસ તેઓ વ્યકત કરે છે.