રાજકોટ: સુરેન્દ્રનગરના મૂળીના સડલા ગામે પોલીસ પૂછપરછ દરમિયાન મોતનો મામલો ગરમાયો છે. પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાને પોલીસ પૂછપરછમાં લઇ ગઇ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકના પિતા દેવજી બાવળિયાનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આ ઘટના બાદ કોળી સમાજના આગેવાનો સિવીલ હોસ્પિટલે પહોંચ્યા છે. જેમા સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાન કુવરજી બાવળીયા મૃતકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા છે. 


 



આ અંગે કુંવરજી ભાઈ બાવળિયાએ કહ્યું કે, ઘરેથી લઈ ગયા છે તો પોલીસ કર્મી સામે અપહરણનો ગુન્હો દાખલ કરવો જોઈએ. મેં રેન્જ આઈ.જી સાથે વાત કરી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા ખાતે 22-4-22ના રોજ હિરલ નામની યુવતી અને અમિત બાવળિયા બન્ને સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ સોસિયલ મીડિયામા બન્નેનો પરિચય થયો. અમિત હિરલને મળવા માટે ખંભાળિયા ગયો. હિરલ દીકરીને મૂકીને અમિત સાથે જતી રહી હતી. બાદમાં પોલીસ ફરિયાદ થઈ હતી. સડલા ગામે હિરલના પતિ દીકરીને લઈને પહોંચ્યા હતા. તો બીજી તરફ અમિતના પિતાને પોલીસે આઅંગે જાણ કરી હતી. તો અમીતના મિત્રએ પોલીસને જણાવ્યું કે, બન્ને લિવ ઇનમાં રહે છે.


તો બીજી તરફ અમિતના પિતાના મોત અંગે મીડિયા સાથે વાત કરતા ડી.વાય.એસ.પી દોશીએ કહ્યું કે, દેવજીભાઈ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. પોલીસ કહ્યું કે, એટેક આવ્યો હતો. જો કે પરિવારજનો પોલીસની આ વાત માનવા તૈયાર નથી અને દેવજીભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો આરોપ લગાવી રહ્યા છે. હાલમાં 40 જેટલા લોકો ધરણા પર બેઠા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા પીએમ રુમ આગળ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


અરવલ્લીઃ મોડાસા પાસે બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, આગ લાગતા એક વ્યક્તિનું મોત


મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, મોડાસાના આલમપુર પાસે બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે કાર ટકરાતા આગ ફાટી નીકળી હતી. જેમાં હાલ તો એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.